ગાંધીનગર, તા.૧૬
ગ્લોબલ વોર્મિંગની સમસ્યાને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ હોવાનું જણાવી વનમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં વૃક્ષો અને વન્ય જીવ સમૃદ્ધિમાં ઉત્તરોઉત્તર વધારો થયો છે. વૃક્ષો સંપદામાં ગુજરાત દેશમાં ત્રીજા સ્થાને વન વિસ્તાર બહારના વૃક્ષોમાં ૧૩.૯૭ ટકાનો વધારો થયો છે. આ વર્ષે અમદાવાદ-ઓઢવ ખાતે સાંસ્કૃતિક વન ઊભું કરાશે.
વિધાનસભા ખાતે વન વિભાગની વર્ષ ૨૦૧૯ની રૂપિયા ૧૪૫૪ કરોડની અંદાજપત્રીય માગણીઓ રજૂ કરતાં વનમંત્રી ગણપત વસાવાએ જણાવ્યું હતું કે, રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વન્યજીવોના જતન અને રક્ષણ માટે ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ ચાલુ વર્ષે વન વિભાગના બજેટમાં ૧૨.૯૭ કરોડનો વધારો કર્યો છે.
વન અને વન બહારના વિભાગોમાં વૃક્ષોનો વધારો થાય એ માટે જનભાગીદારી થકી પ્રયાસો કરવામાં આવશે. વર્ષ ૨૦૦૫ની સરખામણીએ રાજ્યના વનવિસ્તારમાં ૩૭૧ ચો. કિ.મી.નો વધારો અને વનવિસ્તાર બહારના વૃક્ષોમાં પણ ૧૩.૯૭ ટકાનો વધારો થયો છે. રાજ્યમાં ૧૧ ૪૦૦૦૦ ચો.કિ.મી. વિસ્તારમાં ચેરના વૃક્ષો આવેલા છે શેરના વાવેતર માટે રૂપિયા ૩.૭૦ કરોડની જોગવાઈ કરાઈ છે.
મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, વર્ષ ૨૦૦૪થી રાજ્યના આ ઐતિહાસિક અને રાષ્ટ્રીય મહત્ત્વ ધરાવતા સ્થળોએ રાજ્યકક્ષાના વન મહોત્સવ ઉજવવાનું શરૂ કરાયું છે અને તે સ્થળોને વિકસાવી સાંસ્કૃતિક વન નામાભિધાન કરાયું છે ગત વર્ષ સુધીમાં કુલ ૧૭ જેટલા સાંસ્કૃતિક વનોની સ્થાપના કરાઈ છે આ વર્ષે અમદાવાદના ઓઢવ ખાતે ઝડેશ્વર મહાદેવના મંદિર ખાતે સાંસ્કૃતિક વન ઊભું કરાશે.