(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૬
વર્ષ ૧૯૯૬માં બનાસકાંઠના જીલ્લા પોલીસ વડા તરીકેના કાર્યકાળ દરમિયાન રાજસ્થાનના એક વકીલ સામે ખોટો નાર્કોટિક્સનો કેસ ઉભો કરવાના કેસમાંથી મુક્ત મેળવવા માટે પૂર્વ આઇ.પી.એસ. અધિકારી સંજીવ ભટ્ટે ગુજરાત હાઇકોર્ટમાં ડિસ્ચાર્જ અરજી કરી છે. આ અરજી અન્વયે હાઇકોર્ટે રાજ્ય સરકાર સહિતના પક્ષકારોને નોટિસ પાઠવી હતી. સંજીવ ભટ્ટ તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે આ કેસમાં અફીણ કોેણે પ્લાન્ટ કર્યુ હતું તે અંગે કોઇ સ્પષ્ટતા નથી. આ ઉપરાંત પોલીસ તરફેના સાક્ષીઓના નિવેદન પર પણ આધાર રાખી શકાય તેમ નથી. આ કેસમાં તેઓ સપ્ટેમ્બર-૨૦૧૮થી જેલમાં છે. તેથી ડિસ્ચાર્જ અરજી મંજૂર કરી તેમને જામીન આપવા જોઇએ. હાઇકોર્ટે આ અંગે સરકારને નોટિસ પાઠવી હતી. આ કેસની વિગત એવી છે કે વર્ષ ૧૯૯૬મં સંજીવ ભટ્ટ પાલનપુરના પોલીસવડા તરીકે કાર્યરત હતા ત્યારે પાલનપુરની એક હોટેલમાંથી એક કિલો અફીણ પકડાયું હતું. આ અફીણ રાજસ્થાનમાં રહેતા વકીલ સુમેરસિંઘ રાજપુરોહિત લાવ્યા હોવાની તારણ કાઢી નાર્કોટિક્સનો કેસ નોંધવામાં આવ્યો હતો. ત્યારબાદ બહાર આવ્યું હતું કે રાજસ્થાનના પાલીમાં કોઇ જમીન વિવાદમાં સુમેરસિંઘ પર દબાણ ઉભું કરવા માટે તેમની સામે ખોટો કેસ નોંધવામાં આવ્યો છે. તેથી સંજીવ ભટ્ટ પર ખોટો નાર્કોટિક્સ કેસ ઉભો કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. સી.આઇ.ડી.એ ૫-૯-૨૦૧૮ના રોજ આ કેસમાં સંજીવ ભટ્ટની ધરપકડ કરી હતી. ત્યારબાદથી તેઓ પાલનપુર જેલમાં બંધ છે.