(એજન્સી)
નવી દિલ્હી, તા. ૧૪
નાણામંત્રી નિર્મલા સીતારમણના રાહત પેકેજની જાહેરાત બાદ પૂર્વ નાણામંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમે સરકાર દ્વારા ઉઠાવાયેલા પગલાંઓ પર પ્રહાર કર્યા હતા. તેમણે એક પત્રકાર પરિષદ કરીને નાણામંત્રીની જાહેરાતો સામે સવાલ ઉઠાવ્યા હતા. ચિદમ્બરમે કહ્યું કે, નાણામંત્રીએ જે કહ્યું તેમાં લાખો ગરીબ, ભૂખ્યા અને પરપ્રાંતિય શ્રમિકો માટે કાંઇ જ નથી અને હજારો લોકો હજુ પણ પોતાના ગૃહ રાજ્યોમાં પરત જઇ રહ્યા છે. આ મહેનત કરનારા લોકો માટે ક્રૂર ઝટકો છે. આજે વિનાશના આરે ઉભેલા નીચલા તબક્કાના ૧૩ કરોડ પરિવારોને રોકડ ટ્રાન્સફરના માધ્યમથી કાંઇ જ લેવા દેવા નથી. ગઇકાલે જ પ્રોફેસર થોમસ પિકેટ્ટીએ ગરીબોને રોકડ ટ્રાન્સફરનો અનુરોધ કર્યો હતો. ચિદમ્બરમે કહ્યું કે, નાણામંત્રીએ એમએસએમઇ માટે કેટલાક સમર્થન ઉપાયોની ઘોષણા કરી. જોકે, મારૂં માનવું છે કે, મોટા એમએસએમઇ (લગભગ ૪૫ લાખ)ના પક્ષમાં ઉપાયોને ફેરવાયા છે. મને લાગે છે કે, ૬.૩ કરોડ એમએસએમઇના મોટા જૂથની અવગણના કરાઇ છે. તેમણે કહ્યું કે, ગેરંટી વગરની લોન અને ઇક્વિટી કોર્પ્સ ફંડનું સ્વાગત કરીએ છીએ પરંતુ અમે નિયમો અને શરતોની રાહ જોઇ રહ્યા છીએ. એનબીએફસીને ૩૦ હજાર કરોડ રૂપિયાની ગેરંટી આપી છે તેને પણ તમે ગણાવશો તેથી ૨૦ લાખ કરોડ રૂપિયાના આ પેકેજમાં ૩.૬૦ લાખ કરોડ રૂપિયાને પણ સામેલ કરાશે. તેમણે કહ્યું કે, બાકીના ૧૬.૪ લાખ કરોડ રૂપિયા ક્યાં છે ? આ સરકાર પોતાની જ અજ્ઞાનતા અને ભયમાં કેદ છે. સરકારે વધુ ખર્ચ કરવો પડશે પણ તે આમ કરવા માટે તૈયાર નથી. સરકારે વધુ ઉધાર લેવું જોઇએ પણ તે આવું કરવા તૈયાર નથી. સરકારે રાજ્યોને વધુ લોન લેવા અને વધુ ખર્ચ કરવાની પરવાનગી આપવી જોઇએ પરંતુ તે આવું કરવા માટે તૈયાર નથી.