દિલ્હી પોલીસે કોરોના મહામારી એક્ટ અંતર્ગત સોશિયલ ડિસ્ટન્સિંગ
અને ટોળા ભેગા કરવા સહિતના અનેક આરોપો મૂક્યા
(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૧
દિલ્હી પોલીસે સિંઘુ બોર્ડરના રેડલાઇટ પર બેસીને વિરોધ પ્રદર્શન કરી રહેલા કિસાનો વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી છે. ફરિયાદમાં કિસાનો પર સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નહીં કરવાનો આરોપ લગાવતા મહામારી એક્ટ અને કલમો અંતર્ગત આરોપ લગાવ્યા છે. આ કિસાનો ૨૯મી નવેમ્બરે લામપુર બોર્ડર પરથી બળજબરીથી દિલ્હીની સરહદમાં ઘૂસી આવ્યા હતા અને સિંઘુ બોર્ડરની રેડલાઇટ પર ધરણા પર બેસી ગયા હતા ત્યારથી તેઓ રોડ બ્લોક કરીને બેઠાં છે. આ પહેલાં ૭મી ડિસેમ્બરે પણ પોલીસે અલીપુર પોલીસ સ્ટેશનમાં કિસાનો વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. ત્રણ કૃષિ કાયદાઓને રદ કરવાની માગ સાથે સડકો પર આંદોલન કરી રહેલા કિસાનો ૧૬ દિવસથી દિલ્હીની સરહદો પર બેઠાં છે. સરકાર સાથે ખેડૂત સંગઠનોની તમામ બેઠકો અનિર્ણિત રહી ત્યારબાદ કિસાન સંગઠનોએ ૧૪મી ડિસેમ્બરે દેશવ્યાપી આંદોલનની ચીમકી આપી છે. ૧૨મી ડિસેમ્બરે દિલ્હી-જયપુર હાઇવે બ્લોક કરવાની જાહેરાત પણ કરી છે. નવા કૃષિ કાયદાઓ વિરૂદ્ધ પાછલા કેટલાક મહિનાઓથી હજારો કિસાનો આંદોલન કરી રહ્યા છે અને એવા કાયદાઓને પરત લેવાની માગ કેન્દ્ર સરકાર પાસે કરી રહ્યા છે. કિસાનોને ડર છે કે, કાયદાની આડમાં ખાનગી ક્ષેત્રો દ્વારા તેમના પાકોની ઓછી કિંમત પર ખરીદી કરાશે. આ ઉપરાંત નવા એમએસપીથી પણ કિસાનોને વંચિત કરી શકાય છે. બીજી તરફ સરકારે સ્પષ્ટતા કરી છે કે, તેઓ કાયદો પરત લેશે નહીં. સરકારે કહ્યું કે, કિસાનોના હિતમાં કાયદામાં સંશોધન કરી શકે છે.
Recent Comments