અમદાવાદ,તા.૧
ગુજરાત વિધાનસભાના ચાલી રહેલા સત્ર દરમ્યાન આજે રાજય સરકાર દ્વારા ખેડૂતો માટે આજે વધુ એક જાહેરાત કરવામાં આવી હતી, જેમાં સરકારે નાફેડના સંકલનમાં રહી રાજયના ખેડૂતો પાસેથી તુવેરની ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો. કેન્દ્ર સરકારે ૧.૨૮ લાખ મેટ્રિક ટન તુવેર ટેકાના ભાવે ખરીદવા મંજૂરી આપી છે, જેની રૂ.૫૪૫૦ પ્રતિ ક્વિન્ટલના ભાવે ખરીદી ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવશે. આજે વિધાનસભા ગૃહમાં રાજયના કૃષિમંત્રી આર.સી.ફળદુએ આ અંગેની સત્તાવાર જાહેરાત કરી હતી. સરકારની આ જાહેરાતને પગલે રાજયમાં તુવેર પકવતા ખેડૂતો માટે ઘણી રાહતના સમાચાર છે. રાજયના કૃષિમંત્રી આર.સી.ફળદુએ આજના સત્ર દરમ્યાન મહત્વની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, રાજયમાં તુવેર પકવતા ખેડૂતો પાસેથી ૧.૨૮ લાખ મેટ્રિક ટન તુવેર ટેકાના ભાવે ખરીદ કરવા માટે ભારત સરકાર તરફથી મંજૂરી આપવામાં આવી છે, જેથી સરકાર હવે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે તુવેરની ખરીદી કરશે. પ્રાથમિક તબક્કામાં રાજયના ૨૨ જિલ્લાઓમાં ખેડૂતો પાસેથી તુવેરની ખરીદી માટે ૪૦ ખરીદ કેન્દ્રો શરૂ કરવામાં આવશે. જેમાં તા.૫મી માર્ચથી આ કેન્દ્રો પર ઓનલાઇન રજિસ્ટ્રેશન શરૂ થશે અને તા.૧૨મી માર્ચથી ખેડૂતોને જાણ કરી ખરીદી શરૂ કરવામાં આવશે. કૃષિમંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે, તુવેરની ખરીદ પ્રક્રિયામાં ખેડૂત દીઠ વધુમાં વધુ ૧૨૦૦ કિલોગ્રામ પ્રતિ હેક્ટર ધોરણે તુવેરની ખરીદી સરકાર દ્વારા ટેકાના ભાવે થશે કે જેથી ખેડૂતોને તુવેરના પૂરાત પોષણક્ષમ ભાવો મળી રહે.કૃષિમંત્રી ફળદુએ સ્પષ્ટ કર્યું હતું કે, રાજયમાં ખેડૂતો દ્વારા તુવેરનું આશરે ૨.૭૨ લાખ હેકટરમાં વાવેતર થયું છે અને તેનું આશરે ૩.૧૪ લાખ મેટ્રિક ટન ઉત્પાદન થવાની ધારણા છે. હાલમાં તુવેરના ભાવો ઘણા નીચા તુવેરની ખરીદી માટે ગુજરાત સરકારને મંજૂરી આપતાં હવે રાજય સરકાર માટે ખેડૂતો પાસેથી પૂરતા અને પોષણક્ષમ ભાવોએ તુવેરની ખરીદી માટેનો માર્ગ મોકળો થયો છે.