(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૮
શહેરના સરથાણા વિસ્તારમાં ગાળ કેમ આપે છે, તેમ કહી એક યુવક ઉપર બે જણાએ હુમલો કરી તેની હત્યા કરી નાંખી હતી. આ ઘટનામાં પોલીસે બંને ઇસમોની ધરપકડ કરી હતી.પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ડાયમંડ નગરમાં રહેતો મૂળ ઓડિયાવાસી ટુલ્લુ રઘુ ગૌડા (ઉ.વ.૨૫) ડાયમંડ નગરમાં આવેલા અમૃત નગરમાં લૂમ્સના કારખાનામાં કામ કરતો હતો. પમી તારીખે સવારે ટુલ્લુ ડાયમંડ નગર પાસે ઊભેલો હતો. ત્યારે આરોપી મુકેશ પાત્રા અને કબી શાહુ ત્યાંથી પસાર થતા હતા. તે દરમિયાન આરોપીઓએ ટુલ્લુને કહ્યું હતું કે, ગાળ કેમ આપે છે. તેમ કહી તેની સાથે બોલાચાલી અને ઝઘડો કરી પથ્થર વડે તેના માથામાં મારીને ગંભીર ઇજા પહોંચાડી ભાગી ગયા હતા. ઇજાગ્રસ્ત ટુલ્લુને સારવાર અર્થે સ્મિમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં ગઇકાલે બપોરે તેનું મોત થઇ ગયું હતું. સરથાણા પોલીસે આ બનાવમાં અગાઉ આરોપીઓ વિરૂદ્ધ ૩૦૭ મુજબનો ગુનો નોંધ્યો હતો. ત્યારબાદ હવે હત્યાનો ગુનો નોંધી બંનેની અટક કરી આગળની વધુ તપાસ શરૂ કરી છે.