અમદાવાદ, તા.રર
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના શાસકોએ વી.એસ. હોસ્પિટલને કોઈપણ ભોગે બંધ કરવાનું નક્કી કર્યું હોય તેમ હાઈકોર્ટની કે વિરોધની પરવા કર્યા વિના તેમના એજન્ડા મુજબ આગળ વધી રહ્યા છે. આજરોજ મળેલી વ્યવસ્થાપક મંડળની બેઠકમાં વી.એસ. હોસ્પિટલના હેરિટેજ બિલ્ડીંગના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી કેથલેબ તોડી પાડવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવતા કોફીનમાં વધુ એક ખિલ્લો ઠોકવામાં આવ્યો છે. સરદાર પટેલની દુહાઈ દેતા ભાજપના શાસકો સરદાર પટેલના પ્રયાસોથી શરૂ કરાયેલી ઐતિહાસિક હોસ્પિટલનું નામોનિશાન મિટાવવા જઈ રહી છે.
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના ભાજપના શાસકોએ ગત જાન્યુઆરી ૨૦૧૯માં એસવીપી હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું તે વખતે જ વી.એસ. હોસ્પિટલને તાળું મારવાનું નક્કી કરી લીધું હતું. કૅથલેબ ડિમોલિશ કરવાની દરખાસ્ત મંજુર કરાઈ છે તેની કરોડોની મશીનરી માત્ર ૬૦ લાખની બેઝ પ્રાઇઝમાં ઇ હરાજી કરવાનું નક્કી કરી દેવાયું છે. એસવીપી હોસ્પિટલના પ્લાન પાસ કરાયા ત્યારે જૂની વીએસ હોસ્પિટલના બિલ્ડીંગને તોડી ત્યાં પાર્કિગ દર્શાવેલું છે. આ કૅથલેબ તોડવાના નામે પહેલા પાર્કિંગ માટે જગ્યા ખુલ્લી કરાશે પછી આખી હોસ્પિટલ તોડશે તે નક્કી છે. જે પ્રજા સાથે વિશ્વાસઘાત છે.
આ કાર્યવાહીને સખત શબ્દોમાં વખોડી ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખએ જણાવ્યું છે કે, વી.એસ હોસ્પિટલમાં છેલ્લા દોઢ વર્ષથી મોટાભાગના વોર્ડ બંધ હાલતમાં છે. કૅથલેબ બંધ છે. કરોડો રૂપિયાના મેડિકલ સાધનો ધૂળ ખાઈ રહ્યા છે. ડોક્ટર અને પેરા મેડિકલ સ્ટાફ ગાયબ છે. ઉપરાંત વી.એસ હોસ્પિટલના ઐતિહાસિક બિલ્ડીંગને તબક્કાવાર તોડવાની કામગીરીની શરૂઆત કરી દેવાઈ છે. આજે કૅથલેબને તોડવાની મંજૂરી આપી દેવાઈ છે. હવે વી.એસ હોસ્પિટલમાં એન્જીયોપ્લાસ્ટી અને એનજીયોગ્રાફી જેવી સુવિધા બંધ કરી દેવાશે. આ હોસ્પિટલમાં ૯૦ વર્ષથી શહેરની મધ્યમ અને ગરીબ વર્ગના દર્દીઓની વિનામૂલ્યે સારવાર થતી હતી પણ છેલ્લા દોઢ વર્ષથી ભાજપના શાસકો દ્વારા વી.એસ હોસ્પિટલને બંધ કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. ભાજપના શાસકોએ વી.એસ. હોસ્પિટલ પરિસરમાં નવી હોસ્પિટલ શરૂ કરી તે વખત વાયદો કર્યો હતો કે જૂની વી.એસ. હોસ્પિટલમાં ૫૦૦ બેડ કાર્યરત રાખશે. આ અંગે ચેરિટી કમિશનરની કચેરી અને ગુજરાત હાઇકોર્ટમાં ન્યાયિક પ્રક્રિયા ચાલી રહી છે છતાં ભાજપના શાસકોએ ગરીબોની જીવાદોરી એવી જૂની વી.એસ.હોસ્પિટલનું શટર પાડી દીધું છે.