(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૯
રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં પાણીની સતત ઘટી રહેલી સપાટીએ રાજ્યના ખેડૂતો સહિત પ્રજામાં ચિંતા જગવી છે તો ગુજરાત સરકાર પણ તેને લઈને ટેન્શનમાં છે. નર્મદા ડેમની સાથે રાજ્યના અન્ય મોટા પાંચ ડેમોમાં પણ પાણી ઓછું રહેતા આગામી ઉનાળો સરકાર તથા પ્રજા માટે પડકારજનક બની રહે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. રાજ્યમાં મોટાભાગનો વિસ્તાર હાલમાં નર્મદા ડેમના પાણીનો આધાર રાખે છે ત્યારે ડેમમાં પાણીની સપાટી જે રીતે ઘટી રહી છે તેનાથી ચિંતા વધવા પામી છે. હજુ ઉનાળાનો બરોબરનો પ્રારંભ પણ થયો નથી અને રાજ્યમાં જળસંકટ શરૂ થઈ જતા તથા રાજ્યના ડેમોમાં પાણીનું સ્તર ઓછું રહેતા સરકારની ચિંતામાં વધારો થવા પામ્યો છે. નર્મદા ડેમ ઉપરાંત રાજ્યના અન્ય મહત્ત્વના મોટા ડેમો કડાણા, ઉકાઈ, ધરોઈ અને શેત્રુંજી વગેરેમાં જળ સપાટી ઘટતા પાણીનો પ્રશ્ન ગંભીર બને તેમ જણાય છે. આ ડેમોમાં હાલમાં ૪પ ટકા જેટલું જ પાણી બચ્યું છે અને હજુ આખો ઉનાળો બાકી હોઈ આગામી સમયમાં સરકારની ઉંઘ હરામ થાય તેમ જણાય છે. નર્મદાનું લઘુત્તમ લેવલ ૧૧૦.૬૩ મીટર છે ત્યારે હાલ ડેમમાં ૧૧૧ .૬૩ મીટર લેવલની પાણીની સપાટી નોંધાઈ હતી. પરંતુ તેમાં પણ થઈ રહેલા ચિંતાજનક ઘટાડો થઈ રહ્યો છે. ડેમમાં દર કલાકે એક સેન્ટીમીટર જેટલી જળસપાટી ઘટી રહી છે. આ ઘટતી જળસપાટીથી માત્ર જનતા નહી પરંતુ સરદાર સરોવર ખાતે ડેમમાં નોકરી કરતા કર્મચારીઓ પણ આશ્ચર્ય સાથે ચિંતા અનુભવી રહ્યા છે.
નદીમાં પાણીની સપાટી પર નજર રાખવા માટે નર્મદા વોટર કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે. અને પાણીમાં સતત થઈ રહેલા ઘટાડાની ત્યાંથી નજર રાખવામાં આવી રહી છે. સરદાર સરોવર ખાતે નર્મદાના જળસ્તરમાં થઈ રહેલા ઘટાડાથી સરકાર ચિંતિત છે. સરકારે નદીના પાણી થકી કચ્છ-સૌરાષ્ટ્રમાં પાણી પહોંચાડવાના વાયદા કર્યા હતા. પરંતુ આજે સ્થિતિ એ છે કે કેનાલની પાસેના ખેતરોને પણ નર્મદાનું પાણી મળી રહ્યું નથી. નર્મદા નદીમાં ઘટેલા જળસ્તરથી રાજ્યમાં જળસંકટની સ્થિતિ સર્જાઈ છે. મધ્યપ્રદેશથી ૧૦ હજાર ક્યુસેક પાણી ગુજરાતમાં આવી રહ્યુ છે. તેમાંથી છ હજાર ક્યુસેક પાણી કેનાલ નર્મદા નદીમાં છોડાઇ રહ્યું છે.