• ભરૂચ શહેરના દાંડિયાબજાર, નવાચોકી, ફુરજા વિસ્તારોમાં ગોઠણસમા પાણી ભરાતા નાવડીઓ ફરતી થઈ • ભરૂચ, અંકલેશ્વર અને ઝઘડિયા તાલુકાના ગામોના લોકોને ભારે નુકસાન : ખેતરોમાં પાણી ફરી વળ્યા
(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ/ભરૂચ, તા.૩૧
ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદે ભરૂચ જિલ્લાના લોકોના જીવ તાળવે ચોંટાડી દીધા છે. નર્મદા ડેમના ર૩ દરવાજા ખોલી લાખો ક્યુસેક પાણી છોડાતા નર્મદા નદી ભયજનક સપાટીથી ૯ ફૂટ ઉપર વહી રહી છે. પરિણામે કાંઠાળ વિસ્તારના હજારો લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી છે. હાલ ગોલ્ડનબ્રિજ ખાતે પાણીની સપાટી ૩૩ ફૂટ નજીક પહોંચી ગઈ છે.
ઉપરવાસમાં ભારે વરસાદને પગલે સરદાર સરોવરમાંથી છોડવામાં આવી રહેલા પાણીને લઈને ભરૂચ જિલ્લામાં વહેતી નર્મદા નદીમાં બે દિવસ પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ગઈકાલે ૨૮ ફૂટની સપાટીને પાર કરીને આજે ૩૩ ફૂટની સપાટીએ નર્મદા નદી વહેતી થતાં ભરૂચ જિલ્લાના તાલુકા અને શહેરના તેમજ ઝઘડિયા અને અંકલેશ્વરના નદી કાંઠાના ગામોમાં પૂરના પાણી ફરી પ્રવેશી જતાં લોકોને સલામત સ્થળે ખસેડવાની ફરજ પડી હતી. આજે સાંજ સુધીમાં ૩૩ ફૂટની સપાટીને પાર કરતાં અંકલેશ્વર તાલુકાના નદી કાંઠાના ગામોને સાવચેત કરીને પાંચથી છ જેટલા ગામોના લોકોને સલામત સ્થળે ખસેડવાની ફરજ પડી હતી તો બીજી તરફ ઝઘડિયાના બે ગામોમાં પણ પાણી ભરાતા હજારથી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવાની ફરજ પડી હતી. ભરૂચ શહેરના ફુરજા વિસ્તારમાં નર્મદા નદીના પાણી પ્રવેશી જતાં શહેરમાં નાવડીઓ ફરતી થઈ હતી. ફુરજા ચાર રસ્તાના વેપારીઓને નર્મદા નદીના પૂરના કારણે મોટું નુકસાન થયું છે તો બીજી તરફ ઝાડેશ્વર તવરા શુકલ તીર્થ જેવા ગામોમાં પાણી પ્રવેશોત્સવની શરૂઆત થઈ ચૂકી છે. જિલ્લાના ત્રણ તાલુકાના નદી કાંઠાના ગામોના ખેતરોમાં પૂરના પાણી પ્રવેશી જતાં ઊભા પાકને નુકસાન થયું છે. આજે જિલ્લા કલેક્ટરે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ભરૂચ અંકલેશ્વર અને ઝઘડિયા તાલુકામાંથી કુલ ૪૯૦૦ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે એટલું જ નહીં પણ ૩૦ ગામોને તેની અસર થઈ છે. હાલ જિલ્લામાં બે એનડીઆરએફની ટીમ કાર્યરત છે જ્યાં જરૂર પડશે ત્યાં તંત્ર તમામ સુવિધા પૂરી પાડવા માટે શોધવાનું જણાવ્યું હતું.
ભરૂચ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરવાનું શરૂઆત થઈ છે, આમ તો ગઈકાલે જ ભરૂચ જિલ્લાના ત્રણ તાલુકાના ૩૨ જેટલા ગામડાઓના લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરવામાં આવી હતી. ત્યારે આજે ભરૂચના ગોલ્ડનબ્રિજ ખાતે નર્મદા નદીએ ૩૩ ફૂટની સપાટીએ વહેવાનું શરૂ કરતાં ભરૂચ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણી પ્રવેશી ગયા છે જેમાં ભરૂચ શહેરના દાંડિયા બજાર અને નવું ચોકીના ઓવારા નજીક પૂરના પાણી ભરાયા છે દાંડિયા બજાર વિસ્તારમાં ગોઠણ સમા પાણી ભરાયા છે. ગઈકાલે નર્મદામાં આવેલ પૂરના પાણી ઝઘડિયા તાલુકાના કાંઠાના ગામોમાં પણ પહોંચી જતા ઘણા પરિવારોને તંત્ર દ્વારા સલામત સ્થળે લઈ જવાયા હતા. અવિધા ગામેથી જૂની જરસાડ ગામના રસ્તા પર નાળા પરથી પાણી પસાર થતું હોવાથી જૂની જરસાડના ૨૫ જેટલા માણસોને સલામત સ્થળે લઈ જવાયા હતા. સરદાર સરોવર ડેમ ખાતેથી ૧૦ લાખથી વધુ ક્યુસેક પાણી છોડવામાં આવતા ડેમની નીચેના ૧૦ તાલુકાના કાંઠા વિસ્તારોમાં ભયંકર પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. નીચાણવાળા વિસ્તારો ઉપરાંત કાંઠાના લગભગ ગામોમાં નર્મદા નદીના પૂરના પાણી ઘૂસી રહ્યા છે. ઝઘડિયા તાલુકાના જૂના પોરા ગામે પૂરના ૮ ફૂટ જેટલા પાણી ભરાયા છે. તમામ કાચા-પાકા મકાનો પાણીમાં ગરકાવ થયા છે તથા ખેતીના સાધનો પણ પાણીમાં ડૂબી ગયા છે. ઉપરાંત ૪૦૦થી વધુ પશુઓને પણ સુરક્ષિત સ્થાને ખસેડાયા છે. જૂના પુરા ગામની ખેતી સંપૂર્ણ રીતે નષ્ટ થઈ જવા પામી છે જેથી ખેડૂતોને પણ ખૂબ મોટો આર્થિક ફટકો નર્મદા નદીમાં આવેલા પૂરના કારણે વેઠવાનો વારો આવ્યો છે.
Recent Comments