(સંવાદદાતા દ્વારા)
રાજપીપળા,તા.૧૩
ભાજપ સરકારે ચૂંટણી જીતવા નર્મદાનું પાણી સીપ્લેન ઉડાડવા અને કેનાલો ભરવાના ખોટા તાયફા કરવા વેડફી નાખ્યું તેવા કોંગ્રેસના આક્ષેપો વચ્ચે ગુજરાત રાજયના મુખ્ય સચિવ જે.એન. સિંગએ આજરોજ નર્મદા ડેમની મુલાકાત લીધી હતી. ત્યારબાદ જણાવ્યું હતું કે નર્મદા ડેમના ડેડસ્ટોકનું પાણી વાપરવાની મંજુરી બાદ ગુજરાત પર પાણીનું કોઈ સંકટ નહીં રહે, હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી.
ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ જે.એન.સિંગે મંગળવારે નર્મદા ડેમની મુલાકાત લીધી ત્યારે તેમની સાથે જિલ્લા કલેકટર આર.એસ.નિનામાં સહિત સંબંધિત અધિકારીઓ જોડાયા હતા.જે.એન.સિંગે નર્મદાના પાણી અંગે અધિકારીઓ જોડે માહિતી લઈને જરૂરી સમીક્ષા હાથ ધરી હતી.તેમણે જણાવ્યું હતું કે, હાલ ડેમનાં પાણી ૧૧૦.૬૪મીટરે પહોંચતા હવે ઇરીગેશન બાયપાસ ટનલ મારફતે કેનાલમાં પાણી પહોંચાડાશે.જેથી પીવાના પાણીની કોઈ સમસ્યા નહી રહે.ઉલ્લેખનીય છે કે,આ ઇરીગેશન બાયપાસ ટનલનો ઉપયોગ ઈતિહાસમાં પ્રથમવાર થઇ રહ્યો છે.આ ટનલનો ઉપયોગ એટલા માટે કરવામાં આવ્યો છે કે પાણીની સપાટી ૧૧૦.૬૪ મીટરથી નીચે જાય તો કેનાલ હેડ પાવરહાઉસ બંધ કરી દેવામાં આવે છે.જેથી કેનાલમાં પાણી છોડવા માટે આ બાયપાસ ટનલનો ઉપયોગ કરવામાં આવશે.અને હવે ૧૧૦.૬૪ મીટર થી ૮૮ મીટર સુધીનો ડેડ સ્ટોક વાપરવામાં આવશે.જો આ ડેડ સ્ટોક વાપરી નાખવામાં આવે તો આગામી ચોમાસુ જો સારૂ ન જાય તો જળસંકટ ઘેરૂ બની શકે છે.તેની ગંભીરતા જોઇને જ મુખ્યસચિવે આજે ઇરીગેશન બાયપાસ ટનલનું નિરીક્ષણ કર્યુ હતું.
ડેમની મુલાકાત બાદ મુખ્યસચિવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેકટ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈને તેની કામગીરીનું જાત નિરીક્ષણ કર્યું હતું.અને આ તમામ કામ ૩૧ ઓક્ટોમ્બર પહેલા પૂર્ણ થશેનો આશાવાદ વ્યકત કર્યો છે.સ્ટેચ્યુ ઓફ યુનિટીનું હાલ ૭૦ ટકા કામ પૂર્ણ થઈ ગયું છે.આગામી ૩૧ઓક્ટોબરમાં પ્રતિમાનું લોકાર્પણ થઈ જશે એવી ચર્ચાઓ થઈ રહી છે.પ્રતિમાનું ખાતમુહૂર્ત તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૩૧ઓક્ટોબર ૨૦૧૩ના રોજ કર્યુ હતુ.ત્યારે બાદ ૩૧ ડિસેમ્બર ૨૦૧૪ ના રોજ આ પ્રતિમાનું કામ શરૂ કરવામાં આવ્યું. ૨૯૮૯ કરોડના ખર્ચે પ્રોજેકટ આકાર લઇ રહ્યો છે. મુખ્ય સચિવે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત દરમિયાન જાહેરાત કરી હતી કે સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે ટ્રાયબલ મ્યુઝીયમ પણ આકાર લઇ રહેલ છે. સાથે ઉડન ખટોલાનુ આકર્ષણ પણ પ્રવાસીઓ માટે ઉપલ્બ્ધ કરાવવામાં આવશે.નેશનલ લેવલના આકાર પામી રહેલા ટ્રાયબલ મ્યુઝીયમ માટે કેન્દ્રના આર્કાઇવ્ઝ વિભાગ સાથે સમજૂતી-સહયોગ થયો છે.