(સંવાદદાતા દ્વારા)
બોડેલી, તા.૬
સરદાર સરોવરમાં પાણીનું સ્તર નીચું ગયું છે ત્યારે બોડેલી પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાંથી બકનળી મારફતે લાખો લીટર પાણી કોતરમાં વેડફાઈ રહ્યું છે. તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. હજુ ઉનાળાનો પ્રારંભ થયો નથી ત્યાં ગુજરાતની જીવાદોરી ગણાતા સરદાર સરોવર ડેમમાં પાણીનું સ્તર ઘણું નીચું જતાં સરકાર ચિંતામાં મુકાઈ છે. છેલ્લા બે મહિનામાં સરોવરમાં ૧ર મીટર પાણી નીચું ગયું છે. હાલમાં સરોવરમાં બે મીટર જ પાણી છે. સરકારે ખેડૂતોને ઉનાળુ પાક માટે નર્મદા કેનાલનું પાણી આપવાનું ચોખ્ખું ના કહી દીધું છે અને સૌરાષ્ટ્રમાં ઉનાળામાં પીવાના પાણીની સમસ્યા ના સર્જાય તે માટે સરકાર કમર કસી રહી છે જ્યારે ઓરસંગ નદીમાં આડેધડ રેતી ખનનને લઈને બોડેલી વિસ્તારમાં કૂવાઓ અને જળસ્ત્રોતના સ્તર ઘણા નીચા ગયા છે. જેને લઈ ગયા ઉનાળામાં ઓરસંગ કાંઠાના ગામમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા ઊભી થઈ હતી જ્યારે બોડેલીને અડીને પસાર થતી નર્મદા મુખ્ય કેનાલમાંથી બકનળી મારફતે પાણી કોતરમાં છોડાઈ રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી આ બકનળીઓ ચાલુ રહેતી હોવાથી કોતરમાં પાણી ભરાઈ રહે છે અને લાખો લિટર પાણી વપરાશમાં આવ્યા વગર કોતરમાં વહી જતું દેખાય છે ! દિવસભરમાં ઘણીવાર અધિકારીઓ આ બકનળીઓ પાસેથી પસાર થાય છે. પરંતુ આ રોકવાને બદલે આંખો બંધ કરી ત્યાંથી પસાર થઈ જાય છે ? સરકાર આ બેજવાબદાર અધિકારી વિરૂદ્ધ કાર્યવાહી કરશે કે કેમ ? અને આ લાખો લિટર વેડફાતું પાણી રોકવામાં આવશે કે કેમ ?