અમદાવાદ, તા.૮
રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયાથી પડી રહેલા ભારેથી અતિ ભારે વરસાદ ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘમહેરના કારણે નર્મદા ડેમમાં પાણીની સારી એવી આવક થઇ છે તો, બીજીબાજુ, ઉપરવાસમાં થયેલા સારા વરસાદને લઇને પણ સરદાર સરોવર ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે તેના કારણે, સરદાર સરોવર ડેમની સપાટી ૧૨૧ મીટરને પાર થઇ ગઇ છે. નર્મદા ડેમની સપાટી હાલ ૧૨૧.૦૨ મીટરથી વધુ ઉપર પહોંચી ગઇ છે. જેના કારણે રાજ્ય સરકાર અને તંત્રની સાથે-સાથે ખેડૂતોમાં પણ ખુશીની લાગણી ફેલાઇ ગઇ છે. નર્મદા ડેમની સપાટીમાં છેલ્લા ૧૨ કલાકમાં ૨૩ સે.મી. સપાટીમાં વધારો થયો છે. અગાઉ નર્મદા ડેમની મહત્તમ સપાટી ૧૨૧.૯૨ હતી. કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી મંજૂરી બાદ નર્મદા ડેમની ઊંચાઇને વધારીને ૧૩૮.૬૮ મીટર કરવામાં આવી હતી. જો કે, અગાઉની ડેમની ઊંચાઇથી ડેમની સપાટી એકદમ નજીક આવી ચૂકી છે. ડેમની ઊંચાઇ વધવાને કારણે ડેમ ઓવરફ્‌લો થવાની શક્યતા ખૂબ જ ઓછી છે. નર્મદા ડેમમાં ૧૩૦૦ એમસીએમ પાણીનો લાઇવ સ્ટોરેજ જથ્થો ઉપલબ્ધ છે. જેને પગલે ગુજરાતના ખેડૂતો માટે નર્મદાની મેઇન કેનલમાં ૬,૦૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ખેડૂતોને સિંચાઇ અને ખેતીના પાણીમાં તેનો સીધો લાભ મળી રહ્યો છે.