(સંવાદદાતા દ્વારા)
પાવીજેતપુર, તા.રપ
છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકામાં આવેલ કોલીયારી જૂથ ગ્રામ પંચાયતના સરપંચ તેમજ મનરેગામાં જી આર એસનો હોદ્દો ધરાવતા રાઠવા સુરેશભાઈ કંચનભાઈ દ્વારા મનરેગા યોજનામાં સરકારી કર્મચારી તથા મૈયત વ્યક્તિઓના નામે અને બાળકોના નામે ખોટા મસ્ટરો બનાવી ૧૭ લાખનો નાણાંકીય ભ્રષ્ટાચારની તપાસ કરવા માટે મુખ્યમંત્રી સહિત ધારાસભ્ય તેમજ ઉચ્ચ સ્તરે ડેપ્યુટી સરપંચ તથા ગામલોકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે.
છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના કોલીયારી જૂથ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ સહિતના ગ્રામજનોએ લેખિત અરજીમાં જણાવ્યા મુજબ કોલીયારી જૂથ ગ્રામ પંચાયતમાં રાઠવા સુરેશભાઈ કંચનભાઈ સરપંચ તેમજ પાવીજેતપુર તાલુકામાં ગ્રામ વિકાસ વિભાગ (મનરેગા)માં જી આર એસ તરીકેની ફરજ બજાવે છે. રાઠવા સુરેશભાઈ કંચનભાઈ દ્વારા ગ્રામ પંચાયતમાં મનરેગા યોજના હેઠળ તારીખ ૮ જૂનથી ૧૭ જૂન ૨૦૨૦ સુધી લેન્ડ લેવલિંગની કામગીરી કર્યા વગર તેમના દ્વારા મસ્ટરો બનાવવામાં આવેલા છે અને તેના નાણાંનો ખર્ચ પાડી ભ્રષ્ટાચાર કરવામાં આવેલો છે. કોલીયારી ગામે વદેશીયા ફળિયામાં સ્કૂલની પાછળના ભાગે રેવન્યુ સર્વે નંબર ૨૮૧માં નવીન તળાવ બનાવવાનું કામ તારીખ ૨૨/૫/૨૦૨૦થી ૫/૬/૨૦૨૦ દરમિયાન કામ પૂર્ણ કરેલું બતાવેલ છે. મસ્ટર ખોટા બનાવેલા છે. ખરેખર એ નવું તળાવ બનાવવામાં આવેલું નથી અને તેના મસ્ટરના નાણાનો ખર્ચ પાડી ભ્રષ્ટાચાર કરવામાં આવેલો છે. કોલીયારી ગામના હુડ ફળિયામાં સર્વે નંબર ૩૩૧માં તળાવનું રિનોવેશનનું કામ કરવામાં ન આવેલું હોવા છતાં તેના મસ્ટરો બનાવી નાણાકીય ભ્રષ્ટાચાર કરેલો છે.
આ ભ્રષ્ટાચારના નાણાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની પાવીજેતપુર શાખામાંથી ઉપાડી લેવાયા છે. આ બેંકની શાખામાં બેંક મિત્ર તરીકે કોલીયારી ગ્રામ પંચાયતના સરપંચ / જી આર એસના ભાઈ રાઠવા દિનેશભાઈ કંચનભાઈ મારફતે નાણા ઉપાડી લેવામાં આવે છે. તેમજ છોટાઉદેપુર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના અને જેતપુર તાલુકા વિકાસ અધિકારીની કચેરીમાં ગ્રામ વિકાસમાં ફરજ બજાવતા તલાટી સહિતના કર્મચારીઓના મેળાપીપણાથી રૂપિયા ૧૭ લાખ ઉપરાંતનો ભ્રષ્ટાચાર કરી પંચાયત સત્તાવાળા નાણાં ખાઈ ગયેલા છે અને અધિકારીઓએ ભાગ બટાઈ કરેલી છે.
પાવીજેતપુર તાલુકાના કોલીયારી જૂથ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા મસ્ટરમાં મૈયત થઈ ગયેલા વ્યક્તિઓના નામો બોલાવી, નોકરી કરતાં લોકોના નામો બોલાવી, તથા બાળકોના નામો બોલાવી ખોટા ખોટા મસ્ટરો બનાવી ૧૭ લાખ ઉપરાંતનો નાણાકીય ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. સરપંચ ભારજ નદીમાં રાત્રી દરમિયાન ગેરકાયદેસર ખનન કરી સરકારી ગુનાહિત કૃત્ય કરી રહ્યા છે. તેથી કોલીયારી ગામના ડેપ્યુટી સરપંચ સહિત ગામ લોકોની માંગ છે કે, પંચાયતના સરપંચ સામે તેમજ જી.આર.એસ. સામે તાત્કાલિક પગલા ભરવા અને સરપંચ પદે દૂર કરી પોલીસ કેસ કરવા, સરકારી ભ્રષ્ટાચારની રકમ પરત સરકારની તિજોરીમાં જમા થાય તેવી ગામલોકો દ્વારા માંગણી કરવામાં આવી છે તેમજ આ કામગીરીને પુરેપુરી તપાસ થાય તે માટે ગ્રામજનોએ મુખ્યમંત્રી, છોટાઉદેપુર ધારાસભ્ય મોહનસિંહ રાઠવા, લોકાયુક્ત, ગ્રામ વિકાસ વિભાગ સચિવ, ગ્રામ વિકાસ કમિશ્નર, લાંચરૂશવત વિરોધી બ્યુરો, જિલ્લા વિકાસ અધિકારીર વગેરેને લેખિતમાં રજૂઆત કરી ન્યાયની માંગ કરી છે.