(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૩૦
શહેર કોંગ્રેસ પ્રવકતા શૈલેશ અમીન જણાવે છે કે, સરકારના મંત્રીએ જાહેરમાં નિવેદન કરેલું છે કે ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકોને દંડવાનો ઉદ્દેશ સરકારની આવક ઉભી કરવાનો નથી. પરંતુ સરળ, સલામત અને સુનિશ્ચિત વાહનવ્યવહાર જળવાઇ રહે તે માટેનો છે. શહેરી વિસ્તારોમાં આજ સુધીમાં કોઇ પણ સીટબેલ્ટ પહેર્યા વગરનો વાહન ચાલક અકસ્માતનો ભોગ બનેલો નથી કે સરળ ટ્રાફિક વ્યવસ્થામાં સીટ બેલ્ટ વગરનાઓ કોઇ અવરોધ ઉભો કરતા નથી તો સીટ બેલ્ટ નહિ પહેરેલના નામે શહેરી વિસ્તારોના વાહનચાલકોને ઇ-ચલન આપવાથી માત્ર સરકારમાં દંડના ઉંચા આકડા આપી શકાય. પરંતુ સરળ, સલામત અને સુનિશ્ચિત વાહનવ્યવહાર જળવાઇ રહે તે સરકારનો ઉદ્દેશ સરતો નથી. ખરેખર જો ટ્રાફિક પોલીસને શહેરી વિસ્તારમાં સરળ, સલામત અને સુનિશ્ચિત વાહન વ્યવહાર જળવાઇ રહે તેવો રસ હોય તો રોંગ સાઇડથી આવતા વાહનો, હજારોની સંખ્યામાં રસ્તા વચ્ચે પેસેન્જરને લેવા કે ઉતારવા માટે જ્યાં ને ત્યાં ઉભા રહી જતા શટલીયા રીક્ષાઓ, ઓછી બ્રેક ધરાવતા અને ગીચ શહેરી વિસ્તારની નાની ગલીઓમાં રોકટોક બેફામ હંકારતા ટ્રેકટર-ટ્રેઇલરો, ખાનગી જે.સી.બી. મશીનો, જોખમી લોખંડના એન્ગલો મારી મોડીફાય કરેલા માલવાહક ટેમ્પાઓ અને છગડાઓ, વગર રજીસ્ટ્રેશન ધરાવતા એન્જીનથી ચાલતા શેરડીનો રસ કાઢી વેચનારા વાહનો, વધુ પડતો ભાર ભરીને ચાલતા માલવાહક ટેમ્પાઓ, રહેણાંક વિસ્તારમાં બેફામ હંકારાતી લકઝરી બસો. વહેલી સવારે અંધારામાં જોરજોરથી હોર્ન વગાડતા અને નિયત કરતા વધુ વિદ્યાર્થીઓ ભરેલા સ્કુલવાન ચાલકો સહિત ઘણા વાહનો શહેરી વિસ્તારોમાં સરળ અને સલામત ચાલતા ટ્રાફિક વ્યવસ્થાને અંતરાયો ઉભા કરે છે એમ જણાવ્યું હતું.