(એજન્સી) તા.૮
રવિવારે બિહારમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી એક જાહેર સભાને સંબોધતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, ભારતની સંરક્ષણ નીતિને હવે વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત થઈ છે અને સરહદોનું રક્ષણ કરવામાં હવે આપણો દેશ અમેરિકા અને ઈઝરાયેલની હરોળમાં આવી ગયો છે. જો કે, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ શાહના આ નિવેદન સામે તિવ્ર કટાક્ષ કરતાં કહ્યું હતું કે, સરહદો ઉપર શું વાસ્તવિકતા પ્રવર્તી રહી છે તે સૌ કોઈ જાણે છે, પરંતુ આ મુજબનું નિવેદન કરીને કોઈના હૃદયમાં આનંદ અને ખુશી આપવી તે શાહ-યદ સારો આઈડિયા છે. ૩ જૂનના રોજ રાહુલ ગાંધીએ લદ્દાખમાં ચીન સામે સરહદોના વિવાદ અંગે સર્જાયેલી મડાગાંઠ અંગે સરકારની સામે પ્રશ્ન કર્યો હતો. તેમણે પોતાના ટિ્‌વટર એકાઉન્ટ ઉપર એવી પોસ્ટ મૂકી હતી કે, “શું ભારત સરકાર ખાતરીપૂર્વક એમ કહી શકશે કે ચીનના સૈનિકોએ ભારતની સરહદોમાં ઘૂસણખોરી નહોતી કરી ?” પોતાની સરહદોનું રક્ષણ કરવામાં ભારત હવે અમેરિકા અને ઈઝરાયલની હરોળમાં આવનાર એકમાત્ર દેશ છે એવા અમિત શાહે કરેલાં દાવા બાદ બીજા જ દિવસે એટલે કે સોમવારે રાહુલ ગાંધીએ શાહની સામે કટાક્ષ કરતી ટિ્‌વટ કરી હતી જેમાં તેમણે કહ્યું હતું કે, સરહદો ઉપર શું વાસ્તવિકતા પ્રવર્તી રહી છે તે સૌ કોઈ જાણે છે. “સરહદો ઉપરની વાસ્તવિકતા સૌ કોઈ જાણે છે પરંતુ શાહ-યદ એમ કહીને કોઈના દીલને ખુશી આપવી તે ખરેખર સારો આઈડિયા છે,” એમ રાહુલે હિંદીમાં ટિ્‌વટ કરીને કહ્યું હતું.