(એજન્સી) તા.૧પ
ભારત અને ચીનના લશ્કરી અધિકારીઓ વચ્ચે ૧૫ કલાક સુધી ચાલેલી લાંબી મંત્રણાના અંતે ભારતીય લશ્કરે ચીનને સ્પષ્ટ સંદેશ આપી દીધો હતો કે સરહદોની બાબતમાં તેણે કોઇપણ સંજોગોમાં યથાવત સ્થિતિ જાળવી રાખવી પડશે અને લદાખની પૂર્વે આવેલી વાસ્તવિક અંકુશરેખા ઉપર શાંતિની પુનઃ સ્થાપના કરવા અને સરહદોનું રક્ષણ કરવા તેણે અગાઉથી સંમત તમામ નીતિ-નિયમો અને ધારા-ધોરણોનું પાલન કરવું પડશે એમ ઉચ્ચ સત્તાધારી સૂત્રોએ બુધવારે કહ્યું હતું.
બંને દેશોના સિનિયર લશ્કરી કમાન્ડરો વચ્ચે યોજાયેલી અત્યંત ઘનિષ્ઠ મંત્રણા દરમ્યાન ભારતીય લશ્કરી અધિકારીઓના પ્રતિનિધિ મંડળે પીપલ્સ લિબરેશન આર્મીને ‘લાલ રેખા’ વિશે પણ માહિતી આપી દીધી હતી અને કહ્યું હતું કે, આ પ્રદેશમાં શાંતિની પુનઃ સ્થાપના કરવાની જવાબદારી મહદઅંશે ચીનની રહેશે.
બંને દેશોના લશ્કરોને આ વિસ્તારમાંથી તબક્કાવાર પાછી ખેંચી લેવાનું માર્ગદર્શન પૂરું પાડતી એક રૂપરેખા અંગે પણ બંને દેશના લશ્કરી અધિકારીઓએ સંમતિ દર્શાવી હતી, અને તેઓની મંત્રણામાં ચર્ચામાં લેવાયેલા મુદ્દાઓને પોત-પોતાના ટોચના નેતાઓ સાથે ચર્ચા કરીને ફરી એકવાર મળવાની પણ આશા વ્યક્ત કરી હતી.
બંને દેશોના લેફ્ટનન્ટ જનરલ સ્તરના અધિકારીઓની આ બેઠક વાસ્તવિક કુશ રેખા ઉપર ભારતની સરહદમાં આવેલા ચુસુલ ખાતે મંગળવારે સવારે ૧૧-૦૦ કલાકે શરૂ થઇ હતી. જે બુધવારે રાત્રે ૨-૦૦ કલાકે સમાપ્ત થઇ હતી. જો કે આ મંત્રણાનું શું પરિણામ આવ્યું તે અંગે સરકાર તરફથી સત્તાવાર રીતે કોઇ નિવેદન બહાર પડાયું નથી.ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ લદાખ સ્થિત ૧૪મી કોર્પસના કમાન્ડર લેફ. જનરલ હરિન્દરસિંઘે કર્યું હતું જ્યારે ચીનના લશ્કરી અધિકારીઓના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ દક્ષિણ જિનજિયાંગ ક્ષેત્રના કમાન્ડર લિયુ લિને કર્યું હતું. આ મંત્રણા બાદ ભારતીય લશ્કરના વડા એમએમ નરવણેને તમામ વિગતો આપવામાં આવી હતી અને તેમણે બાદમાં વરિષ્ઠ લશ્કરી અધિકારી સાથે તેની ચર્ચા કરી હતી.
ત્યારબાદ સાંજના સમયે તેમણે લશ્કરના અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે પણ આ મંત્રણાના મુદ્દાઓની ચર્ચા કરી હતી. ઉલ્લેખનીય છે કે ગત ૫ મેના રોજથી શરૂ થયેલી તંગદીલીને ઘટાડવા બંને દેશોના લશ્કરી અધિકારીઓ વચ્ચે આ અગાઉ મંત્રણાના ત્રણ રાઉન્ડ યોજાઇ ગયા હતા પરંતુ ચોથા રાઉન્ડની મંત્રણા સૌથી લાંબી ચાલી હતી.