(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૮
સુરત સહિત ગુજરાતભરમાં જળ સંકટને કારણે સરકારે જળ સંચય માટે સુજલામ-સુફલામ જળ અભિયાનનો પ્રારંભ કરી કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહી છે. ભાવિ પેઢીને સમૃદ્ધ જળ વારસા માટે કટિબદ્ધ ગુજરાત સરકાર જળ સંચય અને જળ નહીં બગાડવા માટે ઢોલ પીટી રહી છે, ત્યારે બીજી તરફ ઉકાઈ જળાશયમાં તળીયું દેખાઈ રહ્યાં હોવા છતાં પણ સરોલી માયનોર નહેર અને કરંજ માયનોર નહેરમાં નિયત રોટેશન મુજબ પાણી છોડવાને બદલે હજારો લીટર પાણીનો વેડફાટ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. એક તરફ સરકાર ખેતી માટે પાણી આપવા માટે અસમર્થતા દર્શાવી રહી છે. ત્યારે બીજી તરફ આ બંને નહેર વિસ્તારમાં આવતા માલેતુજારો, રાજકારણીઓ, અધિકારીઓના ઝીંગા તળાવોને બચાવવા માટે નહેરમાં પાણી છોડવામાં આવી રહ્નાં છે. જ્યારે ઉનાળા પાક માટે ઓલપાડ પંથક સહિતના ખેડૂતો પાક બચાવવા માટે સરકાર સમક્ષ પાણીનો પોકાર કર્યો હતો. પરંતુ પાણી મળ્યું નહીં.
ઉકાઈ જળાશયમાં પાણી સપાટી ખૂબ જ નીચી આ વખતે રહી છે. હાલ આજે ઉકાઈ ડેમમાં પાણીની સપાટી ૨૯૦ ફૂટ છે. ત્યારે આ ઉકાઈ જળાશયનું પાણી રેશનિંગની જેમ વાપરવું પડે તેમ છે. એક તરફ જળ સંચય માટે રાજ્ય સરકાર કરોડો રૂપિયા ખર્ચી રહી છે. જ્યારે બીજી તરફ સુરતનું સિંચાઈ વિભાગ ઓળલપાડ પંથકના ૩૫૦ થી વધુ ઝીંગા તળાવોનો ગેરકાયદે ધંધા માટે પાણી પુરૂ પાડવામાં કટિબદ્ધ હોય તેમ છેલ્લા આઠ દિવસમાં સરોલી માયનોર નહેર અને કરંજ માયનોર નહેરમાં બબ્બે વખત સિંચાઈ વિભાગે પાણી છોડ્‌યું હતું. જેને કારણે આ બંને નહેર ઓવરફ્‌લો થતા હજારો લીટર પાણી નહેર બહાર નીકળી જતાં વેડફાટ થયો હોવાનું કહેવાય છે.
છેલ્લા આઠ દિવસમાં બંને નહેરમાં પાણીનો અતિશય બગાડ થાય, તે પ્રમાણે શા માટે પાણી છોડવાના પ્રશ્નનો જવાબ સુરતના સિંચાઈ વિભાગ પાસે ન હતો. પરંતુ એમ કહેવાય છે કે કરંજ, પારડી, મંદાહીલ, ઓરમા, સરસ, કુવાદ સહિતના પંથકોમાં ૩૫૦ થી ૪૦૦ જેટલા ઝીંગા તળાવો આવેલા છે. આ ઝીંગા તળાવો રાજકારણીઓ, અધિકારીઓ અને માલેતુજારોના છે. જેથી આ ઝીંગાનો પાક નાશ ન પામે એટલા માટે નહેરમાં પાણી છોડવામાં આવ્યું હોવાનું ચર્ચાઈ રહ્નાં છે. આ બંને નહેર તા.૨૨-૫-૨૦૧૮ના રોજથી બંધ કરી દેવામાં આવી છે. તેમ છતાં પણ આજે પણ નહેરમાં પાણી છે જ સાથે સાથે આજુબાજુના ખેતરોમાં ફરી વળેલુ પાણી પણ જાવા મળે છે.