(એજન્સી) તા.૨૧
સર્વત્ર ક્રિમિનલ જસ્ટીસ સિસ્ટમ ઇરાદાપૂર્વક અને એવી રીતે તૈયાર કરવામાં આવી છે કે વ્યક્તિગત આરોપીઓના અધિકારોનું રક્ષણ થઇ શકે, પરંતુ આપણે ત્યાં આ રીતે જોવામાં આવતું નથી. જો કે ન્યાયતંત્રને જોવાની આ જ યોગ્ય રીત છે. કઇ રીતે ?
વિશ્વમાં સર્વત્ર ન્યાયતંત્ર દ્વારા વ્યક્તિ અને આરોપીનું રક્ષણ કરવામાં આવે છે કારણ કે તેઓ જાણે છે કે સરકાર પાસે વ્યાપક સત્તાઓ હોય છે જેમની સામે એક વ્યક્તિ નિઃસહાય બની જાય છે. ક્રિમિનલ કેસમાં બે પક્ષકારો હોય છે. આરોપી વિરુદ્ધ સરકાર. તેમાં જે કાયદા હેઠળ સિસ્ટમ કામ કરે છે તેના પર સરકારનો અંકુશ હોય છે. સરકાર ધરપકડ કરનાર અને તપાસ કરનાર પોલીસ દળોની નિમણૂંક કરે છે અને પગાર ચૂકવે છે. સરકારી વકીલોની નિમણૂંક કરીને તેમને પગાર ચૂકવે છે કે જેઓ વ્યક્તિ વિરુદ્ધ રજૂઆત કરશે. સરકાર ન્યાયમૂર્તિઓના પણ પગારો ચૂકવે છે અને તેમને બઢતી આપે છે કે જેઓ નિર્દોષતા કે અપરાધ નક્કી કરે છે. આમ તમામ સત્તાઓ સરકારના હાથમાં છે જ્યારે વ્યક્તિ પાસે કોઇ સત્તા નથી. ભારતમાં મોટા ભાગના આરોપીઓ પાસે સરકાર વિરુદ્ધ પોતાની યોગ્ય કાનૂની રજૂઆત કરીને પોતાનો બચાવ કરવા માટે પણ પૈસા હોતા નથી. ઘણા આરોપીઓને અપરાધી ઠરાવવામાં આવે છે કારણ કે તેમનામાં કાયદાની કોઇ સમજ હોતી નથી અને તેઓ પોતાના કેસ લડવા માટે સક્ષમ વકીલો રોકવા અસમર્થ હોય છે અને તેથી જ્યાં સુધી આરોપી ગુનેગાર પુરવાર ન થાય ત્યાં સુધી નિર્દોષ છે એવો સિદ્ધાંત આપણે ત્યાં છે કારણ કે તેની પાછળની સમજ એવી છે કે ક્રિમીનલ કેસમાં સરકાર પાસે વધુ પડતી અને ભયાનક સત્તાઓ હોય છે. આમ સરકાર પાસે અમર્યાદ સત્તા છે અને તેના હેઠળ સામાન્ય લોકોના અધિકારોને કચડી નાખવામાંં આવે છે. સંસ્થાનવાદી ભારતમાં જ્યારે અંગ્રેજો આવા કાયદા ઘડયા હતા ત્યારે સમગ્ર ભારત તેનો વિરોધ કરતું હતું પરંતુ આજે લોકતાંત્રિક ભારતમાં સરકાર આવા જ કાયદા ઘડી રહી છે અને તેની અસર પણ અંગ્રેજોના સમયમાં હતી એવી અસર લોકો પર પડી રહી છે. આમ સરકાર સર્વશક્તિમાન છે અને લોકો નિઃસહાય છે. પરંતુ આપણે ત્યાં ન્યાયતંત્ર અને કાયદાનું તંત્ર એવું છે જે સરકારની તરફેણ કરે છે. ખટલાની કાર્યવાહી વગર બે મુદ્દતી અટકાયત એ હવે નિયમ અને ધોરણ બની ગયું છે. સરકાર વ્યક્તિના અધિકારો કચડી નાખવા માટે વધુને વધુ સત્તા સંપાદિત કરી રહી છે.
– આકાર પટેલ
(સૌ. : નેશનલ હેરાલ્ડ ઈન્ડિયા)