(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.૪
રાજયમાં આગામી ટૂંક સમયમાં જ કોરોનાની વેકસીન આવી જવાની હોવાનો આશાવાદ વ્યકત કરતા મુખ્યમંત્રી રૂપાણીએ આજે એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોરોનાના રસીકરણ માટેની તૈયારીઓની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટ પણે જણાવ્યું હતું કે ગુજરાત રાજય કોવિડ-૧૯ કોરોના સામેના વેકસીનેશન અંગે સંપૂર્ણ સજજ છે. તેમણે આ સંદર્ભમાં જણાવ્યું કે, હવે ટૂંક સમયમાં જ આ મેઈડ ઈન ઈન્ડિયા વેકસીન આવી જવાની છે અને રસીકરણ પણ શરૂ થવાનું છે. ગુજરાતમાં આ રસીકરણની સંપૂર્ણ તૈયારીઓ રાજય સરકારે કરી લીધી છે. કોલ્ડચેઈન બની ગઈ છે, સર્વેક્ષણ કામગીરી કરી દેવામાં આવી છે. તથા રસીકરણ માટેની તાલીમ પણ કર્મીઓને અપાઈ ગઈ છે એમ મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું કે, ભારત સરકાર રસીકરણ પ્લાન જાહેર કરે કે તુરત જ ગુજરાતમાં પણ વેકસીનેશન કામગીરી રાજય સરકાર શરૂ કરી દેવા સુસજજ છે. મુખ્યમંત્રીએ વનબંધુ વિસ્તાર આહવા ડાંગમાં પાણી પુરવઠાની યોજનાઓના ભૂમિપૂજન ખાતમુહૂર્ત અવસરે સંબોધન કરતા આ માહિતી આપી હતી.
સર્વેક્ષણ-કોલ્ડચેઈન-તાલીમ બધી વ્યવસ્થા કરી દેવાઈ : મુખ્યમંત્રી ગુજરાતમાં રસીકરણની તૈયારીઓ પૂર્ણ : ટૂંક સમયમાં જ રસી આવી જશે

Recent Comments