અમદાવાદ,તા.ર૮

ખેડા જિલ્લામાં ખાનગી કંપનીઓ દ્વારા કર્મચારીઓના  શોષણ વિરૂદ્ધ અવાજ ઉઠાવી કર્મચારીઓને ન્યાય અપાવનારા  સર્વ સમાજ સેનાના મુખ્ય સંયોજક મહિપતસિંહ ચૌહાણને તડીપાર  કરી દેવાયા છે. ત્યારે મહિપતસિંહ ચૌહાણે ગાંધીનગર એસપીને રજૂઆત કરી છે કે તેમના તડીપાર થવાની ઉજવણી માટે તેમના સમર્થકો એક મોટી બાઈક અને કાર  રેલી કાઢવા મંજૂરી આપે. મહિપતસિંહે એસપીને રેલી કાઢવા કરેલી રજૂઆતમાં ભાજપને આડે હાથ લેતા કટાક્ષ કર્યો છે કે જો કમળના  સિમ્બોલ સાથે ભીડ ભેગી થાય તો ૧૮૮ની કલમ  પણ લાગુ પડતી નથી. તેથી કમળના  સિમ્બોલને સાથે રાખવા  માટે જણાવશો તો અમે તે સાથે રાખવા માટે પણ તૈયાર છીએ.

સર્વ સમાજ સેના  ગુજરાતના મુખ્ય સંયોજક મહિપતસિંહ ચૌહાણે ગાંધીનગર એસ.પી.ને રેલી કાઢવા કરેલી રજૂઆત અત્રે રજૂ કરીએ છે.

વિષય – મારા પરની ૩ ફરિયાદના આધારે મને ખેડા જિલ્લા પ્રશાસન દ્વારા ૬ જિલ્લામાંથી ૬ મહિના માટે તડીપાર કર્યો હોય, જેની ખુશીની ઉજવણી માટે મારા સમર્થકો એક મોટી બાઈક અને કાર રેલી કરી મારૂ બહુમાન કરવા ઈચ્છતા હોય તો તે માટેની પરવાનગી વગેરે બાબત ગાંધીનગરના જિલ્લા પોલીસ વડા સમક્ષ આ પત્ર થકી હું સર્વ સમાજ સેનાનો મુખ્ય સંયોજક મહિપતસિંહ ચૌહાણ આપ સાહેબ પાસે પરવાનગી માંગવા આવ્યો છુ. આ સાથે આપને જણાવવાનું કે, હું મૂળ ખેડા જિલ્લાનો વતની છુ. ખેડાના વસો તાલુકાના લવાલ ગામનો પૂર્વ સરપંચ પણ છુ. ખેડા જિલ્લામાં ખાનગી કંપનીઓ દ્વારા કર્મચારીઓનું શોષણ કરવામાં આવતુ હોય મે સોશિયલ મીડિયા થકી તેની સામે અવાજ ઉઠાવી મોટી સંખ્યામાં કર્મચારીઓને ન્યાય અપાવ્યો છે. જેનાથી પ્રભાવિત થઈ ખેડા જિલ્લાના પ્રશાસન દ્વારા મારુ બહુમાન કરતા મને ૧૮૮ની ૩ ફરિયાદોના આધારે ખેડા જિલ્લા સહિત અન્ય ૫ જિલ્લામાંથી તડીપાર કર્યો છે. ત્યારબાદ ગાંધીનગર મારી કર્મભૂમિ બની છે. તંત્રના આ બહુમાનને આવકારતા મારા સામાજિક સંગઠન સર્વ સમાજ સેનાના હજારો કાર્યકર્તાઓ મારુ બહુમાન કરવા માટે આગામી ૪ તારીખે ગાંધીનગરમાં બાઈક અને કાર રેલીનું આયોજન કરી મારૂ સન્માન કરવા ઈચ્છે છે.. ત્યારે આપ સાહેબને આ અરજી થકી હું મહિપતસિંહ ચૌહાણ આ  રેલીને મંજૂરી આપવા માટે રજૂઆત કરૂ છુ. આ સાથે જો રેલી કાઢવા માટે  મારા વિરૂદ્ધ ૧૦૭ કેસ હોવા જરૂરી હોય તો હું ૧૦૭ કેસ મારા વિરૂદ્ધ થાય તે માટેની મહેનત શરૂ કરી દેવા તૈયાર છુ. વધુમાં આપ સાહેબને જણાવવાનું કે આ રેલી કરવા માટે જો કમળના સિમ્બોલ સાથે રાખવા પડે તેવી ફરજ હોય તો અમારા સંગઠનના કાર્યકર્તાઓ કમળના સિમ્બોલ પણ સાથે રાખવા માટે તૈયાર છે. કારણ કે, હાલ અમારી જાણકારી મૂજબ કોઈ પણ પ્રકારની રેલી કે જાહેર કાર્યક્રમોને તાત્કાલિક મંજૂરી મળતી નથી. પરંતુ જો કમળના સિમ્બોલ થકી કાર્યક્રમ કરવા માટે મંજૂરી માંગવામાં આવે તો સરળતાથી મંજૂરી મળી જાય છે.  જેનુ તાજુ ઉદાહરણ સુરતમાં સી.આર. પાટીલ નામના વ્યક્તિ દ્વારા કાર રેલીનું આયોજન છે. વળી, અમે એવુ પણ સાંભળ્યુ છે કે, કમળના સિમ્બોલ સાથે ભીડ એકત્રિત થાય તો ૧૮૮ની કલમ પણ લાગુ પડતી નથી. જેથી આપ સાહેબ જો કમળના સિમ્બોલને સાથે રાખવા માટે જણાવશો તો અમે તે સાથે રાખવા માટે પણ તૈયાર છે. આપ સાહેબ આ અરજી મળતા જ તાત્કાલિક ૪ તારીખના મારા કાર્યક્રમને મંજૂરી આપશો તેવી વિનંતી…