(એજન્સી) જોધપુર તા. ૧૮
કાળિયાર શિકાર મામલે જોધપુરની સેશન્સ કોર્ટે સલમાન ખાનને દેશની બહાર યાત્રા કરવાની પરવાનગી આપી દીધી છે. સલમાન ખાને એક અરજી દાખલ કરીને ચાર દેશોની યાત્રા માટે અદાલતની પરવાનગી માંગી હતી. સલમાનને ૨૫ મેથી ૧૦ જુલાઇ સુધી કેનેડા, નેપાળ અને અમેરિકાની યાત્રા કરશે. કાળિયાર શિકાર કેસ મામલે સલમાનને પાંચ વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી હતી. જો કે બે દિવસ બાદ જ તેને જામીન મળી ગયાં હતા પરંતુ જામીન માટે તેમની સમક્ષ અનેક શરતો મૂકવામાં આવી હતી. જામીનની શરતોમાંથી એક શરત એ પણ હતી કે કોર્ટની પરવાનગી વિના તે દેશ છોડીને નહી જઇ શકે.
સલમાન ખાને આ કેસમાં સજા સંભળાવવા અને જામીન મળવા સુધી બે રાત જેલમાં વિતાવી હતી. પછીથી કોર્ટે તેને ૨૫-૨૫ હજાર રૂપિયાના ખાનગી બોન્ડ પર મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. નીચલી અદાલતે સલમાનને સાત એપ્રિલના રોજ સજા સંભળાવી હતી. સાથે જ તેના પર દસ હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. આ ઘટના ઓક્ટોબર ૧૯૯૮ની છે તેવું કહેવામાં આવી રહ્યું છે જ્યારે તેઓ ફિલ્મ હમ સાથ સાથ હૈનું શુટિંગ કરી રહ્યાં હતા. આ કેસમાં ૭ મેના રોજ સલમાને કોર્ટમાં હાજર થવું પડશે.
આરોપ લગાવવામાં આવ્યો છે કે સલમાન ખાન જોધપુર પાસે કાંકાણી ગામમાં શિકાર કરવા ગયો હતો. તે દરમિયાન સલમાન સાથે સૈફ અલી ખાન, તબ્બૂ, નીલમ અને સોનાલી બેન્દ્રે પણ હતી. જો કે જોધપુર કોર્ટે સલમાન ખાન સિવાયના તમામ સ્ટાર્સને દોષમુક્ત જાહેર કર્યા હતાં. આ કેસમાં બિશ્નોઇ સમાજે ૨૦ વર્ષ સુધી સલમાન ખાન વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો છે.