(એજન્સી) જોધપુર, તા. ૬
૨૦ વર્ષ પહેલા બે કાળિયાર હરણના શિકાર કેસમાં દોષિત ઠરેલા બોલિવૂડના ભાઇજાન સલમાન ખાનને જામીન અરજી પર સુનાવણી પુરી ન થતા બીજી રાત પણ જેલમાં કેદી નંબર ૧૦૬ તરીકે વીતાવવાનો વારો આવ્યો હતો. સલમાનખાનને ૨૦ વર્ષ પહેલા રાજસ્થાનના જોધપુરમાં કાળિયાર હરણના શિકાર કેસમાં પાંચ વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી છે. ૫૨ વર્ષના અભિનેતાને આ કેસમાં ૧૦,૦૦૦ રૂપિયાનો દંડ પણ ફટકારાયો છે. આ કેસ વર્ષ ૧૯૯૮માં ‘હમ સાથ સાથ હૈં’ ફિલ્મના શૂટિંગ દરમિયાન બનેલી ઘટનાનો છે. સલમાનના સાથી કલાકારો સૈફઅલી ખાન, તબ્બુ, સોનાલી બેન્દ્રે અને નીલમ કોઠારીને પુરાવના અભાવે મુક્ત કરી દેવામાં આવ્યા છે. કાળિયાર હરણના શિકાર કેસમાં સજા સંભળાવતા જજે કહ્યું હતું કે, આરોપીએ જંગલના કાનુનનો ભંગ કરતા બે નિર્દોષ કાળિયાર હરણને મારી નાખ્યા હતા, તે ફિલ્મ સ્ટાર છે, લોકો તેને જોઇ રહ્યા છે, શિકારની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. તેથી હળવાશ રાખી શકાય. શુક્રવારે સલમાન કોર્ટમાં હાજર રહ્યો નહોતો. તેના વકીલ કોર્ટમાં ૫૧ પેજની જામીન અરજી સાથે પહોંચ્યા હતા.
આ અંગે ૧૦ મહત્વના મુદ્દા
૧. કાળિયાર હરણ શિકારના કેસમાં દોષિત ઠર્યા બાદ સલમાનને તાકીદે ગુરૂવારે જ સાંજે જોધપુરની સેન્ટ્ર્‌લ જેલમા મોકલી દેવાયો હતો. સુપરસ્ટારની હાજરીને કારણે જેલની સુરક્ષામાં વધારો કરાયો હતો. સલમાનને બેરેકમાં એકલો રખાયો છે અને તેને કોઇને મળવાની પરવાનગી નથી. જેલમાં તેનો પોતાનો અંગત સુરક્ષા કર્મી પણ છે.
૨. બોલિવૂડના કેટલાક કલાકારો જેવા કે, જયા બચ્ચન, અર્જુન રામપાલ, સુભાષ ઘાઇ અને વરૂણ ધવને ચુકાદા અંગે જાહેરમાં નિરાશા વ્યક્ત કરી હતી અને સલમાનની પડખે રહ્યા હતા. વરૂણ ધવને ટિ્‌વટ કરી હતી કે, સલમાન ભાઇ અને તેમના પરિવારનું સન્માન કરૂ છું અને ન્યાયપાલિકામાં પણ વિશ્વાસ રાખું છું. સલમાન ખાન તરીકે તે લોકોમાં સૌથી શક્તિશાળી અને સન્માનજનક વ્યક્તિ છે. મને વિશ્વાસ છે કે, તે ફરી લોકો વચ્ચે શક્તિશાળી બનીને પરત ફરશે.
૩. ફિલ્મ હમ સાથ સાથ હૈના શૂટિંગ દરમિયાન ૧૯૯૮માં જોધપુર પાસેના બિશ્નોઇ સમાજના ગામમાં બે કાળિયાર હરણના મૃતદેહમળી આવ્યા હતા જેમાં સલમાન ખાન સહિત સૈફ અલી ખાન, સોનાલી બેન્દ્રે, તબ્બુ અને નીલમ કોઠારી સામેલ હતા. ફિલ્મ કલાકારો તે સમયે શિકાર પર નીકળ્યા હતા.
૪. આશરે બે દશક પહેલા બિશ્નોઇ સમાજના લોકોએ સલમાન અને અન્ય કલાકારો વિરૂદ્ધ કેસ નોંધાવ્યો હતો જેઓએ સલમાન ખાનને સજા સંભળાવાતા ઉજવણી પણ કરી હતી.
૫. આરોપ અનુસાર સલમાન ખાન શિકાર કરેલા બે હરણની પાસે હતો અને તેમને ગોળી મારી હતી તેમ કોર્ટ સમક્ષ કહેવાયું હતું. બિશ્નોઇ સમાજના લોકોએ કહ્યું હતું કે, તેઓએ બાઇક દ્વારા જીપ્સીનો પીછો કર્યોહતો જેને સલમાન ચલાવી રહ્યો હતો.
૬. સલમાનના વકીલ અનુસાર જજે એમ કહ્યું કે, તેઓ જામીન આપતા પહેલા સમગ્ર કેસના રેકોર્ડને તપાસવા માગે છે. વકીલ મહેશ બોરાએ કહ્યું કે, અમે જામીન માટે દલીલ કરી હતી. મૂળભૂત રીતે સાક્ષી વિશ્વાસપાત્ર નથી. ટ્રાયલ કોર્ટે ફક્ત એક સાક્ષીની જુબાનીને આધારે સલમાનને સજા સંભળાવી છે.
૭. સલમાન ખાનને જોધપુરની સેન્ટ્રલ જેલમાં ચર્ચાસ્પદ આસારામ બાપુની બાજુની બેરેકમાં રાખવામાં આવ્યો છે જે ૧૫ વર્ષની કિશોરી સાથે બળાત્કારના આરોપમાં જેલમાં કેદ છે.
૮. સલમાન ખાને જેલમાં સામાન્ય ભોજન લેવાનો ઇન્કાર કર્યો હતો જેમાં દાળ, રોટી અને ખીચડી આપવામાં આવી હતી. જેલ સુપ્રિન્ટેન્ડેન્ટ વિક્રમસિંહે કહ્યું કે, સેલમાં તેની પાસે સામાન્ય લાકડાની બેંચ, એક પાથરણું અને એક પાણીનું કૂલર છે.
૯. ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના નિષ્ણાતો અનુસાર સલમાન ખાન પર હાલ ૬૦૦ કરોડ રૂપિયા લાગેલા છે અને આ ચુકાદાને પગલે તેની ત્રણ મોટી ફિલ્મોને ફટકો પડી શકે છે.
૧૦. વર્ષ ૨૦૦૨ના મુંબઇના બાંદ્રામાં પોતાની ટોયોટા કાર દ્વારા ફૂટપાથ પર સૂઇ રહેલા લોકોને કચડી નાખવાના કેસમાં સલમાનને આરોપમુક્ત કરી દેવામાં આવ્યો હતો જે કેસમાં એક વ્યક્તિનું મોત થયું હતું. વર્ષ ૨૦૧૬માં રાજસ્થાન હાઇકોર્ટે સલમાનને એક જુદા શિકાર કેસમાં આરોપમુક્ત કર્યો હતો જેમાં જણાવાયું હતું કે સલમાને ચિંકારાનો શિકાર કર્યો છે તેવો કોઇ પુવારો નથી.
જેલની સજા મધ્યે પણ મદદ કરવા બદલ મુંબઈના
પરિવારે સલમાનખાનને ‘‘ફરિશ્તો’’ ગણાવ્યો


કાળિયારના શિકાર કેસમાં બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનને ગુરૂવારે પાંચ વર્ષની સજા મળી. કેટલાક અહેવાલો પ્રમાણે પાંચ વર્ષની જેલની સજા સાંભળી સલમાન નિરાશ થઈ ગયો હતો. પરંતુ પરિવારની વ્યથા વચ્ચે ટાઈગર જીંદા હૈનો અભિનેતા એક જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ કરવામાં વ્યસ્ત હતો. જેને તેની માતાની સારવાર માટે પૈસાની જરૂર હતી.
મુંબઈના રહેવાસી નસીમ ખાને એક ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે તેણે બુધવારે બીઈંગ હ્યુમન ફાઉન્ડેશનનો મદદ માટે સંપર્ક કર્યો હતો. કારણ કે તેને તેની માતાની સારવાર માટે રૂા.૧.૩૦ લાખની તત્કાલ જરૂર હતી. નસીમ ખાને કહ્યું કે ચોવીસ કલાકની અંદર સલમાનની એન.જી.ઓમાંથી કોઈએ મને બોલાવ્યો. તેમણે મારી માતાની સારવાર માટે ૭૦,૦૦૦ રૂપિયા આપ્યા અને તેઓએ કહ્યું કે સારવાર માટે બાકીનો ખર્ચ પણ તેઓ આપશે.
નસીમખાને કહ્યું કે ભલે કોર્ટે સલમાન ખાનને પાંચ વર્ષની સજા આપી હોય પરંતુ તેના માટે બોલિવૂડ અભિનેતા ફરિશ્તા સમાન છે. તેણે કહ્યું કે હું એ વાતમાં નથી પડવા માગતો કે સલમાને શું કર્યું અને શા માટે તેને પાંચ વર્ષની જેલની સજા થઈ. પરંતુ હું અુેટલું જાણું છું કે તેણે ફકત મારી સાથે જ નહીં પરંતુ ઘણા અન્ય પરિવારો જોડે પણ ઘણું સારૂં કર્યું છે. મારી માતા હૃદયની બીમારીથી પીડાઈ રહી છે. સલમાન તેના પરિવાર અને એન.જી.ઓ.એ અમને ઘણી રાહત આપી છે.

સલમાનખાને ભોજનમાં દાલ-રોટી, નાસ્તામાં ખીચડી ખાવાનો ઇન્કાર કર્યો : રિપોર્ટ
જોધપુરની સેન્ટ્ર્‌લ જેલમાં કેદી નંબર ૧૦૬ તરીકે રહેલા સલમાન ખાને પોતાની પ્રથમ રાત ભૂખ્યા પેટે જ વીતાવી હતી તેમ શુક્રવારે સત્તાવાળાઓએ જણાવ્યું હતું. બીજી તરફ સલમાનને બીજી રાત પણ જેલમાં વીતાવવાનો વારો આવ્યો હતો કારણ કે, કોર્ટે નીચલી કોર્ટમાંથી તેના કેસના તમામ રેકોર્ડ ચકાસવા માગ્યા હતા. ૫૨ વર્ષના અભિનેતાને જેલમાં દાલ-રોટી અને શાકભાજી પીરસાયા હતા પણ તેણે તે ખાવાનો ઇન્કાર કરી દીધો હોવાના અહેવાલ મળ્યા હતા. તેને બહારનું ભોજન ખાવાની પરવાનગી નથી. શુક્રવારે સવારે સલમાનને નાસ્તામાં ચા અને ખીચડી અપાઇ ત્યારે પણ તેણે ખાવા માટે ઇન્કાર કરી દીધો હતો. સલમાન ખાનને ચોથીવાર જેલમાં જવાનો વારો આવ્યો છે. તેણે અત્યારસુધી ૧૯૯૮, ૨૦૦૬ અને ૨૦૦૭ આમ કુલ મળીને ૧૮ દિવસ જેલમાં વીતાવ્યા છે. જેલના સુપ્રિન્ટેન્ડેન્ટ વિક્રમસિંહે કહ્યું કે, સલમાનને કોઇ ખાસ સુવિધા અપાઇ નથી. તેને એક સામાનય લાકડાની પથારી, પાથરણું અને પાણીનું કૂલર અપાયું છે. તેને જેલના કાયદા પ્રમાણે દાલ-રોટી અને સામાન્ય ખીચડી આપવામાં આવી હતી. રાવવાસા માટે અભિનેતાને ચાર બ્લેન્કેટ અપાયા છે. તેના કપડાં બદલાવવા માટે તેના બોડીગાર્ડને સાથે રહેવા પરવાનગી અપાઇ છે. સલમાન ખાને કેસનો સાક્ષી વિશ્વાસપાત્ર નથી તેવી દલીલ કરી જામીન માગ્યા છે.

દોષિત ઠર્યા બાદ ‘‘હતાશ’’ સલમાનખાન
જેલના સેલમાં ભાંગી પડ્યો : રિપોર્ટ
સલમાન ખાનને જોધપુરનો કારાવાસ રાસ આવી રહ્યો નથી. સૂત્રો અનુસાર સ્ટાર અભિનેતા એટલો દુઃખી હતો કે તેણે ભોજન લેવાનો પણ ઇન્કાર કર્યો. પહેલા સલમાનનુે મેડીકલ પરિક્ષણ પુરૂ કરવામાં આવ્યું હતું. તેનું બ્લડ પ્રેશર નોર્મલ હતું જ્યારે તેની માનસિક સ્થિતિ સારી નહોતી. સલમાનને આસારામ બાપુની બાજુની બેરેકમાં રાખવામાં આવ્યો છે. સેલમાં એક વખત તે પોતાને સંભાળી ન શક્યો અને ભાંગી પડ્યો હતો. સૂત્રો અનુસાર તેને આશા નહોતી કે તેની સાથે આ કેસમાં આવું બનશે અને તેને કારણે તેને મોટો આઘાત લાગ્યો. સલમાનને અન્ય કેદીઓથી અલગ રાખવામાં આવ્યો છે કેમ કે સત્તાવાળાઓ કોઇપણ અનિચ્છનીય ઘટના બનવા દેવા માગતા નથી. કોઇકે તેને એવું કહેતા પણ સાંભળ્યો હતો કે, જો કાલે પણ જામીન નહીં મળે તો શું થશે.

જામીન માટે હાજર ન થવા મેસેજ અને
કોલથી ધમકી મળી : સલમાનના વકીલ
કાળિયાર શિકારના કેસમાં એક નવો વળાંક આવ્યો છે. સલમાન ખાનના વકીલ મહેશ બોરાએ કહ્યું છે કે, તેમને ધમકીઓ મળી રહી છે. તેમણે ઉમેર્યું કે, સલમાનની જામીન અરજી પર દલીલ કરવા માટે તેમને અદાલતમાં હાજર ન થવા માટે ધમકીઓ અપાઇ રહી છે. મને ગુરૂવાર સાંજથી જ ધમકીઓ મળી રહી છે. આ ધમકીઓ ઇન્ટરનેટ મેસેજ અને એસએમએસ દ્વારા ધમકીઓ અપાઇ રહી છે જેમાં કહેવાયંુ હતું કે, તેઓ શુક્રવારે સલમાન ખાનની જામીન માટે કોર્ટમાં ન જાય. તેમણે એમ પણ કહ્યું કે ધમકીઓમાં કહેવાયું છે કે, જો તેઓ કોર્ટમાં જશે તો જાનથી મારી નાખવામાં આવશે. જોકે, બોરા સલમાનની જામીન માટે કોર્ટમાં હાજર રહ્યા હતા પરંતુ સલમાનને શુક્રવારે કોર્ટમાંથી રાહત મળી નહોતી. તેના વકીલે આશા વ્યક્ત કરી છે કે, શનિવારે અદાલતમાં જામીન માટે સુનાવણી થશે અને સલમાનને જામીન મળી જશે.