રાજકોટ,તા.૨૮
સમગ્ર વિશ્વમાં ફેલાયેલા કોરોના વાયરસથી થતાં મૃત્યુની સંખ્યા ઝડપથી વધી રહી છે. ભારતમાં આ વધુ ન ફેલાય તે માટે, પીએમ નરેન્દ્ર મોદીને આખા દેશને ૨૧ દિવસ માટે લોકડાઉન કર્યો છે. કોરોના વાયરસને કારણે આઈપીએલ અને ઓલિમ્પિક્સ સહિતની અનેક રમતોની ઈવેન્ટ્‌સને પણ મોકૂફ રાખવામાં આવી છે. લોકોને ખતરનાક કોરોના વાયરસથી વાકેફ કરવા ભારતના સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ એક વીડિયો શેર કર્યો છે.
જાડેજાએ ઓસ્ટ્રેલિયાની સામેની મેચનો એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તેણે કાંગારૂ બેટ્‌સમેન ઉસ્માન ખ્વાજાને તેજ થ્રો પર રનઆઉટ કર્યો હતો. આ વીડિયો દ્વારા તેણે પોતાના ચાહકોને સલામત રહેવા અને ઘરે રહેવા વિનંતી કરી છે. તેમણે ચાહકોને સલાહ આપી કે તેઓ રનઆઉટ ન થાય. જાડેજાએ લખ્યું છે કે સલામત રહો, ઘરે જ રહો. રન આઉટ ન થતા.
જણાવી દઈએ કે આ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ગયા વર્ષે એડિલેડ ઓવલ ગ્રાઉન્ડ પર રમાઇ હતી. આમાં જાડેજાએ ખ્વાજાને ડાયરેક્ટ થ્રો ફેંકીને આઉટ કર્યો હતો. બાદમાં તે રનઆઉટ મેચનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો હતો.