સલાયા, તા.૯
સલાયાનું એક વહાણ દુબઈથી ૧૧૬ મોટર ભરી યમન જવા માટે નીકળ્યા પછી તે વહાણમાં શારજર્હાં બંદરે આગ ભભૂકતા તે વહાણ ભસ્મીભૂત થઈ ગયું છે. આ વહાણમાં સાથે ગયેલા સલાયાના તેર ખલાસીઓને શારજર્હાં બંદરે ઉતારી લેવામાં આવતા સદ્દનસીબે જાનહાનિ નિવારી શકાઈ છે.
ખંભાળિયા તાલુકાના સલાયાના ઝરીનાબેન કાસમભાઈ સંઘાર નામના મહિલા આસામીની માલિકીનું શાહ-એ-અલકાસમી નામનું માલવાહક વહાણ ગઈ તા.૪ માર્ચના દિને માલ ભરી સલાયાથી ગોવા બંદરે જવા રવાના થયું હતું. જ્યાં તે વહાણ ખાલી થયા પછી જનરલ કાર્ગો ભરી દુબઈ ગયું હતું. દુબઈથી આ વહાણમાં યમન માટે ૧૧૬ કાર ભરી આપવામાં આવી હતી.
ઉપરોક્ત વહાણ દુબઈના શારજર્હાં બંદરે જ્યારે પહોંચ્યું ત્યારે કોઈ કારણથી તેમાં આગ ભભૂકતા વહાણનો ઉપરનો ભાગ સંપૂર્ણ રીતે સળગીને ખાખ થઈ ગયો હતો. આગ બૂઝાવવાની કામગીરીમાં શારજર્હાં બંદરનું અગ્નિશામકદળ જોતરાયું હતું. ગઈકાલે સવારે આગની લપેટમાં આવી ગયેલું આ વહાણ ગઈકાલની રાત્રિ સુધી આગથી ઘેરાયેલું રહ્યું હતું.
સલાયાના આસામીના આ વહાણની કેપેસિટી ૬૦૦ ટનની છે અને જેના રજીસ્ટ્રેશન નંબર બીડીઆઈ-૧૩૯૨ છે. એક અંદાજ મુજબ રૂા.એકાદ કરોડની કિંમતના આ વહાણમાં સલાયાના ૧૩ ખલાસીઓ પણ હતાં જેઓને સલામત રીતે બંદર પર ઉતારી લેવામાં આવ્યા છે.