જામનગર, તા.૯
ખંભાળીયાના સલાયામાં માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા એક પરિવારના ત્રણ માસુમ બાળકો ઘર પાસે રમતા રમતા નજીકમાં આવેલી દરિયાઈ ખાડીમાં ડૂબી મોતને શરણ થતા સમગ્ર સલાયા પંથકમાં અરેરાટી પ્રસરી ગઈ છે. આ બાળકોને તે જ વખતે આવેલી ભરતીના મોજાઓએ દરિયાના ઊંડાણમાં ખેંચી જઈ મોતની ગોદમાં સુવડાવી દીધા છે.
ખંભાળિયા તાલુકાના સલાયા ગામમાં બંદર રોડ પર રહેતા અને માછીમારી તેમજ બોટીંગના વ્યવસાય સાથે સંકળાયેલા ગજીયા પરિવારના ત્રણ માસુમ બાળકો ઘર પાસે રમી રહ્યા હતા. સાલેમામદ જુબેરભાઈ ગજીયા (ઉ.વ. અઢી), અલ્ફાઝ અલ્તાફભાઈ ગજીયા (ઉ.વ. ૩) અને રજાક ફીરોઝભાઈ ગજીયા (ઉ.વ. અઢી) નામના આ ત્રણેય બાળકો રમતા રમતા બાળક સહજ રીતે નજીકમાં આવેલી દરિયાઈ ખાડી સુધી પહોંચી ગયા હતા.આ બાળકોએ ખાડીમાં રહેલા દરિયાઈ પાણીને નીહાળ્યા પછી ત્રણેયે તે પાણીમાં ન્હાવાની લાલચ નહીં રોકી શકાતા તેઓ ખાડીમાં ઉતર્યા હતાં. તે દરમ્યાન સાતેક વાગ્યે દરિયામાં ભરતી શરૃ થતાં ખાડીમાં વધેલી પાણીની સપાટીમાં તરતા ત્રણેય માસુમ બાળકો દરિયાના ઉંડાણમાં ખેંચાઈ ગયા હતાં. બૂમ પણ ન મારી શકેલા આ બાળકોને તણાતા જોઈ ત્યાં હાજર કેટલાક લોકોએ શોરબકોર મચાવી ત્રણેય જિંદગીને બચાવી લેવાના પ્રયાસો શરૂ કર્યા હતા.એક તરફ ભરતીના પાણીનું જોર અને બીજી તરફ જીવ બચાવવા તરફડીયા મારતા બાળકોના ધલવલાટને પારખી હાજર લોકોએ ત્રણેયને ભારે જહેમત પછી ખાડીમાંથી બહાર કાઢી લીધા હતાં પરંતુ તે પહેલાં વધુ પડતું પાણી પી ગયેલા સાલેમામદ, રજાક, અલ્ફાઝના કરૃણ મૃત્યુ નિપજ્યા હતાં. ઉપરોક્ત બાબતની ત્રણેય પરિવાર સહિત આખા સલાયામાં જાણ થતા ભારે ગમગીની પ્રસરી હતી. ત્રણેય મૃતદેહોને ખંભાળીયાની સરકારી હોસ્પિટલમાં લઈ આવવામાં આવ્યા હતાં જ્યાં સલાયાના અગ્રણીઓ દોડી આવ્યા હતાં. જાવીદ રઝાક ગજીયાએ પોલીસને જાણ કરી હતી. એક સાથે ત્રણ પરિવારના ત્રણ ફૂલ જેવા બાળકો મોતની ગોદમાં સરી જતા ત્રણેય પરિવારો હતપ્રભ બની ગયા છે.