જામનગર, તા.૧૭
દ્વારકા જિલ્લાના સલાયામાંથી એસઓજીએ ગઈકાલે ત્રણ શખ્સોને ૧૨૫ લીટર ડિઝલના શંકાસ્પદ જથ્થા સાથે પકડી પાડી તપાસ શરૂ કરી છે.
દ્વારકા એસઓજી દ્વારા ગઈકાલે હાથ ધરવામાં આવેલા પેટ્રોલીંગ દરમ્યાન સ્ટાફના હે.કો. ઈરફાન ખીરાને ડિઝલના શંકાસ્પદ જથ્થા અંગેની મળેલી બાતમીના આધારે સલાયામાં એસઓજીનો કાફલો વોચમાં ગોઠવાયો હતો.
સલાયામાં એસઆરપી ડોમની પાછળના ભાગમાં એસઓજીએ ત્રાટકી ત્યાંથી સલાયાના અક્રમ રજાકભાઈ સંઘાર, રીઝવાન રજાકભાઈ સંઘાર તથા અબ્દુલ કરીમ ભગાડ નામના ત્રણ શખ્સોને સવાસો લીટર જેટલા ડિઝલના છ કેનમાં ભરેલા જથ્થા સાથે અટકાયતમાં લેવામાં આવ્યા હતાં. ડિઝલના બીલ કે આધાર પુરાવા માંગવામાં આવતા આ શખ્સો પાસે તે નહીં મળી આવતા એસઓજીએ રૂા. ૭૫૦૦નો ડિઝલનો જથ્થો કબજે કરી ત્રણેય શખ્સોની અટકાયત કરી છે.