(સંવાદદાતા દ્વારા) જામનગર, તા.૧૨
ખંભાળિયાના સલાયામાં વર્તમાન નગરપાલિકા પ્રમુખના જૂથ તથા પૂર્વ પ્રમુખના જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણ સર્જાઈ હતી. પોલીસે રાયોટીંગ, હત્યા પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા બે વ્યક્તિઓને સારવાર માટે જામનગર ખસેડવામાં આવ્યા છે. પોલીસે કુલ સત્તર સામે ગુનો નોંધ્યો છે. ખંભાળિયા તાલુકાના સલાયામાં રહેતા અને નગરપાલિકાના વર્તમાન પ્રમુખના જૂથના મનાતા ઉમરફારૂક હાજીઓસમાણ ભાયા (ઉ.વ.પ૦) નામના મુસ્લિમ વાઘેર પ્રૌઢ બપોરે પોતાના એક્ટિવા પર શબ્બીર હાજીઓસમાણ ભાયા સાથે સલાયા નગરપાલિકાની કચેરી પાસેથી પસાર થતા હતા ત્યારે ત્યાં ધસી આવેલી એક અર્ટીગા મોટરે તેઓને ઠોકર મારી ફંગોળ્યા હતા. અચાનક લાગેલી ઠોકરથી ફેંકાઈ ગયેલા ઉમરફારૂક અને શબ્બીર ઊભા થાય તે પહેલાં અગાઉથી જ આ વ્યક્તિઓની હત્યા કરવાનો ઈરાદો રાખી ધસી આવેલા સાલેમામદ કરીમ ભગાડ ઉર્ફે સાલુ પટેલ તથા અર્ટીગામાંથી ઉતરી પોતાની પાસે રહેલા છરી સહિતના હથિયારો વડે હુમલો કર્યો હતો. આ વેળાએ ઉમરફારૂકને હાથમાં તથા હથેળીમાં ઈજા થવાની સાથે હેમરેજ થઈ ગયું હતું. હુમલો કરી ઉપરોક્ત શખ્સો નાસી ગયા હતા. સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા ઉમરફારૂકનું જી.જી. હોસ્પિટલ પોલીસ ચોકીના જમાદાર નારણભાઈ લૈયાએ નિવેદન નોંધ્યું હતું. જ્યારે સલાયાના પીઆઈ પી.ડી. સોલંકીએ ઉમરફારૃકની ફરિયાદ પરથી ઉપરોક્ત નવેય શખ્સો સામે હત્યા પ્રયાસ, રાયોટીંગ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધ્યો હતો. આ ફરિયાદની સામે સલાયાના જાહિર સાલેમામદ ભગાડે વળતી ફરિયાદ નોંધાવી તેમાં જણાવ્યું છે કે, સલાયામાં જ રહેતા મામદ હાસમ ભાયા સહિતના શખ્સોએ સલાયામાં આવેલી ગોદી પાસે જ્યાં સાલેમામદ ભગાડની બોટ રાખવામાં આવે છે ત્યાં લાકડા આડા રાખી દેતા ગઈકાલે બપોરે સાલેમામદ ભગાડ તથા અસલમ ભગાડ તેની પોલીસમાં રજૂઆત કરવા ગયા હતા તે બાબતનો ખાર રાખી તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં મામદ કાસમની સાથે ઈરફાન અબ્બાસહાજી, આરીફ અબ્દુલહાજી, શખ્સોએ છરી, લાકડી તથા લોખંડના હથિયારોનો ઉપયોગ કર્યો હતો. પીઆઈ પી.ડી. સોલંકીએ આ ફરિયાદ પણ રજીસ્ટરે લીધી છે. હુમલા વેળાએ જાહિરને છોડાવવા વચ્ચે પડેલા તેમના બહેન સહિતના પરિવારજનોને પણ માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જ્યારે આ જૂથ અથડામણમાં ગંભીર ઈજા પામેલા ઉમરફારૃક તથા બશીર ઓસમાણને વધુ સારવાર માટે જામનગર ખસેડવામાં આવ્યા છે. બાકીના આરોપીઓને ખંભાળિયા દવાખાને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.