ભરૂચ, તા.૧પ
ભરૂચના દહેજ બાયપાસ રોડ પર આવેલ સલુનમાં તોડફોડના મામલામાં ખૂદ ભરૂચ પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
ભરૂચના દહેજ બાયપાસ રોડ પર આવેલ દીપ્સ યુનિસેક્સ સલુનમાં દસેક મહિલાઓએ થોડા દિવસ પૂર્વે ધસી જઈ તોડફોડ કરી આતંક મચાવતા ચકચાર મચી જવા પામી હતી. આ સમગ્ર પ્રકરણમાં સલુનના સંચાલક ફરિયાદ આપવાથી દૂર રહ્યા હતા. તો બીજી બાજુ સ્થળ પર દોડી ગયેલ પોલીસે સી.સી.ટી.વી. ફૂટેજ મેળવવાની કાર્યવાહી હાથ ધરી હતી.
આ ચકચારી હુમલાના પ્રકરણમાં અંતે ભરૂચ ‘એ’ ડિવિઝન પોલીસે સી.સી.ટી.વી. ફૂટેજના આધારે ફરિયાદી બની ગુનો નોંધ્યો છે. જેમાં માલણબેન નયનભાઈ કાયસ્થ ઉપરાંત કોમલબેન વસાવા, માલણનીબેન સોનલ, પ્રિયંકાબેન મકવાણા, વૈષ્ણવી વાઘેલા, રેશ્માબેન શેખ તેની બેન તેમજ અન્ય એક યુવતી સામે ઈન્ડિયન પીનલ કોડની કલમ ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૪ર૭, પ૦૪, તેમજ જી.પી. એક્ટ ૧૩પ મુજબ ગેરકાયદેસર મંડળી બનાવી જાહેરમાં બેઝબોલ, સ્ટીક લાકડીઓ સાથે દિપ્સ યુનિસેક્સ સલુનમાં જઈ તોડફોડ કરી અંદાજે રૂા.૧,૦૦,૦૦૦/-નું નુકસાન કરી ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરવાનો ગુનો નોંધવામાં આવ્યો છે.
આ સમગ્ર પ્રકરણમાં ભરૂચના કુખ્યાત બુટલેગરનું નામ સંડોવાયેલુ હોવાનું આમ જનતામાં ચર્ચાઈ રહ્યું છે અને તે પાછળ અનેક તર્ક વિતર્ક પણ થઈ રહ્યા છે.