(સંવાદદાતા દ્વારા) મોડાસા, તા.ર૦
માલપુર તાલુકાના સવાપુરના જંગલમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી પ્રસરતાં જંગલ નજીક આવેલા સુરજપુર ગામના ખેડૂતોના ખેતરમાં ઊભી નીલગીરી અને લીંબુનો પાક સ્વાહા થઈ જતા તેમજ અન્ય ખેતરોમાં રહેલ સૂકું ઘાસ આગની લપેટમાં આવી જતાં આગમાં સ્વાહા થતાં ખેડૂતોમાં વનવિભાગની આગ કાબૂમાં લેવાં અણઆવડતના પગલે ખેતરોમાં પ્રસરી હોવાનું ખેડૂતોમાં ચર્ચાઈ રહ્યું છે ખેડૂતોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે વનવિભાગે જંગલમાં લાગેલી આગનું કારણ શોધવા તજવીજ હાથ ધરી હતી.
માલપુરના સવાપુરના જંગલોમાં અગમ્ય કારણોસર આગ ફાટી નીકળતા અને જંગલ નજીક આવેલ ખેતરો સુધી પ્રસરતા ખેડૂતો ચિંતિત બન્યા હતા. જંગલમાં આગ લાગતા વનવિભાગ તંત્રને જાણ કરવા છતાં આળસ દાખવતા આગ વધુ પ્રસરી હતી ખેડૂતોએ ઘટનાસ્થળે પહોંચી આગ ઓલવવાના પ્રયત્નો હાથ ધરવા છતાં બેકાબુ બનેલ આગે જંગલ નજીક આવેલા ખેતરોમાં ઊભા પાકને લપેટમાં લેતા ખેતરોમાં ઊભો પાક ખાખ થયો હતો. આગની ઘટનાના પગલે માલપુર મામલતદાર ઘટનાસ્થળે પહોંચી ફાયરબ્રિગેડને જાણ કરતાં ફાયરબ્રિગેડ સ્થાનિક લોકો અને વનવિભાગ તંત્રએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.