અમદાવાદ, તા.૨૨
ગાંધીનગર જિલ્લાના અડાલજ પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ તેના સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે તેને આક્ષેપ કર્યો છે કે, તેના સસરા મોટા લોકોની સીડીઓ બનાવી બ્લેકમેલ કરી તોડપાણીનો ધંધો કરવાનું કહી પીઠ પર હાથ ફેરવીને વાત કરતા હતા. સમગ્ર મામલે યુવતીએ કંટાળીને પોલીસ ફરિયાદ કરતા અડાલજ પોલીસે તપાસ હાથ ધરી છે. વૈષ્ણવદેવી પાસે રહેતી ૩૦ વર્ષીય યુવતી બે વર્ષથી ગુજરાત હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરે છે. વર્ષ ૨૦૧૬માં આ યુવતીના લગ્ન થયા હતા. યુવતીનો પતિ નિરમા યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે અને પ્લાસ્ટિકનો વ્યવસાય પણ કરે છે. યુવતીના સસરા એક બેંકમાં સિનિયર મેનેજર તરીકે કામ કરે છે. યુવતીના લગ્ન બાદ તેના સાસરે જ તેના દાગીના સાસુએ મૂકાવી દીધા હતા. બાદમાં થોડા જ સમયમાં સસરા આ યુવતીને ખરાબ નજરે જોતા હતા. અવાર-નવાર કહેવા છતાં સસરાએ આ હરકત શરૂ રાખી હતી. બાદમાં આ યુવતીએ કંટાળીને પતિને અલગ રહેવા જવાનું કહેતા વૈષ્ણવદેવી ખાતે એક ફલેટમાં ભાડે રહેવા લાગ્યા હતા જેનો સામાન પણ યુવતીને તેના માતા-પિતાએ વસાવી આપ્યો હતો. શનિ-રવિની રજા આવતા યુવતીના સસરા આ ફલેટમાં રહેવા આવતા હતા. એક દિવસ યુવતીનો પતિ ટ્યૂશન ગયો ત્યારે સસરાએ પોતાની હરકતો શરૂ કરી હતી. સસરાએ તેની પુત્રવધૂને કહ્યું કે, “તું નોકરી છોડી દે આપણે તોડપાણીનો ધંધો કરીએ, પણ યુવતીને સમજ ન આવતા તેના સસરાએ કહ્યું કે, મોટા-મોટા લોકોનો સંપર્ક કરવાનો જેમાં રાજનેતાઓ જેવા લોકોને મળવાનું બાદમાં તે લોકોની સીડીઓ બનાવવાની. જો એમની કોઈ ક્લિપ ન હોય તો પણ બ્લેકમેલ કરવાના અને આપણી પાસેના ઈન્સ્ટ્રુમેન્ટ બતાવી એ લોકો પાસે પૈસા પડાવવાના.” યુવતીએ આ વાત સાથે સહમતી ન દર્શાવી તેના પતિને વાત કરી હતી. પતિને એવું પણ કહ્યું કે તેના સસરાએ પીઠ પર હાથ ફેરવ્યો હતો. પણ પતિએ કહ્યું કે, તેના પરિવારજનો ફ્રી માઈન્ડના છે પણ યુવતીથી આ બાબતો સહન ન થઈ હતી. સાસરિયાઓ દહેજની માગણી કરતા, મારઝૂડ કરતા અને લંપટ સસરા છેડતી કરી બિભત્સ વાતો કરતા આખરે યુવતીએ તેના સસરિયાઓ સામે અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.