અમદાવાદ, તા.૮
દહેજ ભૂખ્યા પતિએ સસરાના મોતની અમાન્યા પણ જાણવી નહીં અને પત્નીને સુણાવી દીધું કે, “તારો બાપ મરી ગયો, હવે મને રૂા.૧૦ લાખ કોણ આપશે ?” એટલે પતિના ત્રાસથી કંટાળી ગયેલી પત્નીએ આખરે દહેજના લાલચુ પતિ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ દહેજનું દૂષણ ક્યારે દૂર થશે ? તે સળગતો સવાલ છે, ચર્ચાનો વિષય છે.
બાપુનગરમાં પિયર પક્ષના લોકો સાથે રહેતી ૨૭ વર્ષીય યુવતીએ માર્ચ ૨૦૨૦માં જ કોર્ટ મેરેજ કર્યા હતા. લગ્ન બાદ યુવતી તેના પતિ સાથે રહેવા ગઈ હતી. ત્યારે તેના સાસુનો ફોન આવ્યો અને કહ્યું હતું કે, અમારા ઘરમાં રહેવા આવવું હોય તો દસ લાખ લઈને જ આવવું પડશે. જેથી યુવતીએ ૧૦ લાખ ક્યાંથી લાવવા તેવું પતિને કહેતા પતિએ તેને માર મારી તેના માતા-પિતા સાચું જ કહે છે તેમ કહ્યું હતું. લોકડાઉન દરમિયાન યુવતી તેના પતિ સાથે પિયરમાં રહેવા આવી ગઈ હતી. ત્યારે પણ તેની સાસુ ફોન કરીને કહેતા કે, દસ લાખ લેતી આવજે અને અમારા કહેવાથી જ અમારો દીકરો તારી સાથે મજા કરવા જ આવ્યો છે,.
પતિ પણ પત્નીને કહેતો કે દસ લાખ નહીં લાવે તો બીજે લગ્ન કરી લેશે. ગત ૨૩મી મેના રોજ પરિણીતાના પિતાને હાર્ટ એટેક આવ્યો હતો અને તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. તે સમયે યુવતીના પતિએ સસરાના મોતનો મલાજો ન જાળવી તારો બાપ તો ભગવાન પાસે જતો રહ્યો હવે મારા દસ લાખ કોણ આપશે? તેમ કહી માર માર્યો હતો. દસ લાખ નહીં લાવે તો પિયર જતી રહેજે તેવી ધમકી આપી હતી. પરિણીતાએ પિયર જવાની ના પાડતા તેને અન્ય પુરુષ સાથે સબંધ હોવાનો આક્ષેપ મૂકી તેને ત્રાસ આપ્યો હતો. આખરે કંટાળીને આ મહિલાએ તેના પતિ, સાસુ, સસરા અને દિયર સામે બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા હવે પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.