સુરત, તા.૨૨
લોકડાઉન દરમિયાન સસ્તા અનાજની દુકાનદારોના કૌભાંડ અને વેન નેશન-વન રેશન અંતર્ગત રાશન આપવા માટે શિવ શક્તિ ભીમ શક્તિ માયનોરિટી ફાઉન્ડેશન દ્વારા ફરીથી જિલ્લા ક્લેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જો તેમની માંગણી નહીં સ્વીકારાઇ તો ગાંધી ચિંધ્યા માર્ગે ચોંકાવનારા કાર્યક્રમો આપવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવમાંઆવી છે.
કોવિડ-૧૯ મહામારીના લોકડાઉન દરમિયાન પુરવઠા તંત્ર અને સરકાર માન્ય સસ્તા અનાજ દુકાન માલકોની મીલી ભગતમાં આચરવામાં આવેલા ભ્રષ્ટાચારની તપાસ યોજવા તથા વન નેશન વન રેશન યોજવા અંતર્ગત નોન એનએફએસએ કાર્ડ ધારકોને ફરીથી એનએફએસએમાં સામે કરવા બાબતે જિલ્લા ક્લેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. શિવશક્તિ ભીમશક્તિ માયનોરિટી ફાઉન્ડેશન દ્વારા આવેદનપત્ર આપવાની સાથે જિલ્લા ક્લેક્ટર કચેરીએ નારેબાજી કરવામાં આવી હતી અને બેનર પણ દેખાડવામાં આવ્યાં હતાં. સુરેશ સોનવણેએ આક્ષેપ કરતાં જણાવ્યું કે, અગાઉ પણ આ મુદ્દે લેખિતમાં ફરિયાદ આપવામાં આવી હતી. તેમ છતાં કોઈ જ યોગ્ય નિર્ણય કરવામાં આવ્યો નથી. જેથી ફરીથી તેઓ આ મુદ્દે રજૂઆત કરી રહ્યા છે. હવે જો યોગ્ય ન્યાય નહીં મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ચલાવવાની ફરજ પડશે એમ તેમણે ઉમેર્યું હતું.