(એજન્સી) તા.૧
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના જમાઇ જેરેડ કુશનર સહિત ઇઝરાયેલી-અમેરિકન ડેલિગેશન તેલઅવીવથી અબુધાબીની પ્રથમ કોમર્શિયલ ફ્લાઇટ દ્વારા સંયુક્ત આરબ અમીરાત (યુએઇ) જવા રવાના થયું છે. ઇઝરાયેલી ફ્લેગ કેરીયર એલ અલ દ્વારા સંચાલિત ડાયરેક્ટ ફ્લાઇટ સવારે ૧૦.૩૦ કલાકે રવાના થઇ હતી.
બે દિવસની મુલાકાતમાં સંયુક્ત ટીમની કાર્યકારી બેઠકનો પણ સમાવેશ થાય છે ત્યાર બાદ ઇઝરાયેલ અને યુએઇ વચ્ચે સંબંધો સામાન્ય કરવા માટે યુએઇ અને ઇઝરાયેલ વચ્ચે સંયુક્ત સહકારની ત્રિપક્ષીય ઘોષણા સાથે સમજૂતી થશે. રવાના થતાં પહેલા ઇઝરાયેલી વડાપ્રધાનના કાર્યાલયે એક નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે આ બેઠકમાં સિવિલ અને આર્થિક ક્ષેત્રને લગતા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રીત કરાશે. આ મુલાકાતમાં ડેલિગેશનના વડાઓ વચ્ચે અબુધાબીમાં ત્રિપક્ષીય બેઠક યોજાશે. આ ડેલીગેશનમાં ઇઝરાયેલના નેશનલ સિક્યોરિટી કાઉન્સિલના વડા મેર બેન શાબાત, અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રોબર્ટ ઓ બ્રાયન, વ્હાઇટ હાઉસના વરિષ્ઠ સલાહકાર અને ડોનાલ્ડ ટ્રમ્પના જમાઇ કુશનેર અને યુએઇના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર શેખ તાહનાઉન બિન ઝાયદ અલ-નાહીયનનો સમાવેશ થાય છે. ઇઝરાયેલી અમીરાત અને અમેરિકન પ્રતિનિધિઓના બનેલ વર્કિંગ ગ્રુપમાં ડિપ્લોમસી, ફાઇનાન્સ, ઉડ્ડયન અને એન્ટ્રી વિઝા, આરોગ્ય, સંસ્કૃતિ અને પ્રવાસન, અંતરીક્ષ, વિજ્ઞાન અને મૂડીરોકાણ, નવીનીકરણ અને વ્યાપારના ક્ષેત્રમાં ચર્ચાઓ યોજાશે એવું ઇઝરાયેલી વડા પ્રધાનના કાર્યાલય દ્વારા જણાવાયું હતું. રવાના થતાં પહેલા શબાતે એક નિવેદનમાં જણાવ્યું હતું કે અમારું ધ્યેય વિવિધ ક્ષેત્રોમાં સંબંધોને વધુ સુદ્રઢ કરવા માટે એક સંયુક્ત વર્ક પ્લાન ઘડી કાઢવાનું છે. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુએ રવિવારે જણાવ્યું હતું કે તેમના દેશે સંબંધો સામાન્ય બનાવવા પર ઘણા વધુ આરબ રાષ્ટ્રો સાથે ગુપ્ત વાટાઘાટ યોજી હતી. અહેવાલો અનુસાર ૨૫ વર્ષમાં ઇઝરાયેલ અને આરબ દેશ વચ્ચે આ પ્રકારની પ્રથમ શાંતિ સંધિ થશે.