કોડીનાર, તા.રપ
કોડીનારના વિઠ્ઠલપુર ગામે થોડા દિવસ પેહલા આદમખોર દીપડાએ ભેડા અજીતભાઈ ઉપર હુમલો કરી ફાડી ખાતા તેમનું કમકમાટીભર્યા મૃત્યુની ઘટનામાં આજે ૨૦-૨૦ દિવસ જેટલો સમય વીતી જવા છતાં આ આદમખોર દીપડો હજુ સુધી પકડાયો ન હોય જેના અનુસંધાને વિઠ્ઠલપુરના સરપંચ પ્રતાપભાઈ મહિડા દ્વારા જંગલ ખાતાના અધિકારીઓ સાથે ગામલોકોની રાત્રિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ગામ લોકો જોડાયા હતાં. આદમખોર દીપડાના ત્રાસથી ત્રાહિહામ લોકો સાંજના સમયે ઘર બહાર નીકળવામાં થરથર ધ્રુજી રહ્યા હોવાનાં કારણે આ વિસ્તારના રસ્તાઓ સાંજે ૬ વાગ્યા પછી સુમસામ ભાસી રહ્યા છે. કોડીનાર આલિદર અને વિઠ્ઠલપુરનો રસ્તો પણ સાંજના ૬ વાગ્યા પછી સુમસામ થઇ જાય છે, લોકોએ વાડીએ રહેવાનું પણ પડતું મૂકી દીધું છે, આ વિસ્તારમાં લોકો વાહનોમાં પણ નીકળતા ડરી રહ્યા છે. નવાબંદર ગામે દીપડાએ બતકને ફાડી ખાધાની ઘટનામાં વનતંત્રએ તાત્કાલિક દીપડાને પાંજરે પુરી દીધો હતો, જ્યારે વિઠ્ઠલપુર ગામની આસપાસ માનવીઓ ઉપર હુમલો કરતા આદમખોર દીપડાને પકડવા વનતંત્ર ફિફા ખાંડી ઉદાસીનતા સેવી રહ્યું હોય ગ્રામ સભામાં જો વનતંત્ર દ્વારા આદમખોર દીપડો વહેલી તકે પકડવામાં નહીં આવે તો આવનારા સમયમાં ગ્રામજનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી જરૂરી કાર્યવાહી કરવા જણાવવામાં આવનાર હોવાનું નક્કી કરાયું હતું.