પાટણ,તા.૧૧
દેશમાં મંદિર-મસ્જિદના નામે કેટલાક ઉન્માદ ફેલાવી હિન્દુ-મુસ્લિમના ભાઈચારા સાથેના સુમેળભર્યા સંબંધોને છિન્ન-ભિન્ન કરવા પ્રયાસો કરી એકતા-અખંડિતતાને તોડવાની સાજીસો કરી રહ્યા છે. તો બીજી બાજુ પાટણ જિલ્લાના સાંતલપુર ખાતે એક વયોવૃદ્ધ ૯૦ વર્ષના હિન્દુ દાદાએ પોતાની આજીવિકાના રૂા.૮૦ હજાર પોતાના સ્વજનો પાછળ મસ્જિદમાં દાન આપી વિવિધતામાં એકતાની ભારતીય સંસ્કૃતિમાં હિન્દુ-મુસ્લિમની એક તાંતણે વણાયેલી કોમી-એકતાના દર્શન કરકાવી એક મિશાલ કાયમ કરી છે. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના રણમલપુર ગામના રવાભાઈ સવાભાઈ કોળી (ઉ.વ.૯૦)ને પોતાના ખેતરની ઉપજની આવક પોતાના સ્વજનો પાછળ મસ્જિદમાં દાન કરવાની છેલ્લા કેટલાક સમયથી ઈચ્છા હતી. જે પરિપૂર્ણ કરવા ગઈકાલે સાંતલપુર ખાતે આવી મુસ્લિમ સમાજના અગ્રણીઓને મળ્યા હતા અને મસ્જિદમાં આવી રૂા.૮૦ હજારની રકમ દાનમાં આપી હિન્દુ-મુસ્લિમ એકતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડયું હતું. આ સમયે સાંતલપુર સુન્ની મુસ્લિમ વકફ કમિટીના પ્રમુખ આમીનભાઈ ઈબ્રાહીમભાઈ રાઉમા, ઉપપ્રમુખ રમજુભાઈ ઉસ્માનભાઈ રાયમા, ખજાનચી અનવરભાઈ ઉસ્માનભાઈ કુંભાર, મંત્રી ઐયુબભાઈ પીરમામદભાઈ શેખ, લતીફભાઈ ઉમરભાઈ ખલીફા, યાદખાન રહીમખાન કોટવાલ, અબ્દુલ ગુલમામદભાઈ રાયમા, દાઉદભાઈ હાજીભાઈ રાયમા સહિતના અગ્રણીઓએ કોમી એકતાના હિમાયતી અને મસ્જિદમાં દાન આપનાર રવાભાઈ સવાભાલ કોળીનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું.
Recent Comments