(એજન્સી) તા.૧૧
કાનપુરના બિકરૂ ગામનો નામચીન વિકાસ દુબે શુક્રવારે સવારે પોલીસના હાથે માર્યો ગયો હતો. પરંતુ હવે જયારે પોલીસની સામે સવાલોની લાંબી યાદી છે તો બીજુ એક માથાનો દુખાવો પણ છે. ખરેખર ૩ જુલાઈએ રાત્રે જયારે ગામમાં પોલીસ ટુકડી ઉપર ગોળીઓ ચલાવવામાં આવી હતી, ત્યારે એ ઘટનામાં પોલીસ કર્મીઓના હથિયારો પણ લૂટી લેવામાં આવ્યા હતા. હવે તેને શોધવા પણ એક મોટો પડકાર છે. પોલીસની એક ટુકડી કાયદેસર રીતે તે બિકરૂ વિસ્તારમાં પહોંચી છે અને ફરમાન કરી રહી છે કે જે કોઈ પાસે પોલીસવાળાના હથિયાર હોય તે માહિતી આપીને જમા કરાવી દે નહીં તો તેમના વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. પોલીસની એક જીપમાંથી માઈક દ્વારા આ વાતનું એલાન કરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ગુરૂવાર સવારે ઉજજૈનમાં મહાકાલ મંદિરના દર્શન દરમ્યાન વિકાસ દુબે પોલીસના હાથમાં આવી ગયો હતો. જેના પછી મધ્યપ્રદેશ પોલીસે તેને યુ.પી. એસટીએફને સોંપી દીધો હતો. ઉજજૈનથી કાનપુર લાવતી વખતે આ દરમ્યાન ભૌતી નામની જગ્યા પર કહ્યા પ્રમાણે એસટીએફના કાફલામાં સામેલ એક એસયુવી કાર પલટી ખાય છે. પોલીસના અનુસાર, આ ઘટનાનો લાભ લઈ વિકાસ દુબે પોલીસકર્મીઓના હથિયાર છીનવી લઈ નાસી છુટવાનો પ્રયત્ન કરે છે. પોલીસ એને રોકે છે પણ તે ફાયર કરે છે અને જવાબી કાર્યવાહીમાં તે માર્યો જાય છે. તેમ છતાં પોલીસની ઘડેલી આ કહાણી ઉપર ઘણા પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે પોસ્ટ મોર્ટમના રિપોર્ટ અનુસાર વિકાસ દુબેને ચાર ગોળીઓ વાગી હતી. શુક્રવારની મોડી સાંજ સુધી તેનો મૃતદેહ પરિવારજનોને સોંપી દેવામાં આવ્યો હતો, જેનો કાનપુરમાં અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યો હતો.