અમદાવાદ, તા.૧
કેન્દ્ર સરકારને ત્રણ વર્ષ કરતા વધુ સમય વિતી ગયો તેમ છતાંય પ્રજાની હાલાકીમાં ઘટાડો થવાને બદલે વધારો થયો છે. ખેડૂતોની આવક બમણી કરવાની વાત કરનારી સરકાર ખેડૂતોની આવક અડધી કરી રહી છે. ત્યારે મોંઘવારીથી પરેશાન પ્રજાને કોઈ રાહત નહી આપનારા બજેટથી ફુગાવો વધશે. જો કે સાંસદોના પગાર વધાર્યા તેના કરતા બજેટમાં મધ્યમ વર્ગને રાહત અપાઈ હોત તો ખુશી થતી. એમ કેન્દ્રીય બજેટની પ્રતિક્રિયામાં કોંગ્રેસે જણાવ્યું હતું. કેન્દ્ર સરકારના બજેટ અંગે પ્રતિક્રિયા આપતા રાજ્યસભાના કોંગ્રેસના સાંસદ અહમદ પટેલે જણાવ્યું હતું કે બજેટમાં સાંસદોના પગાર વધાર્યા તેના કરતા મધ્યમ વર્ગને રાહત આપી હોત તો મને ખુશી થઈ હોત. નિરાશાજનક, મધ્યમ વર્ગ સાથે છેતરપિંડી અને મોંઘવારીના મારથી પરેશાની ભોગવતી પ્રજાને કોઈ રાહત નહીં તેવા ફુગાવો વધારનાર કેન્દ્રીય બજેટ અંગે પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરતસિંહ સોલંકી અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, ચૂંટણી પહેલા જાહેર સભામાં મોટી મોટી વાતો આજે ૧ર૭પ દિવસ એટલે કે, ત્રણ વર્ષ કરતા વધુ કેન્દ્ર સરકારને સમય વીતી ગયો પણ પ્રજાની હાલાકીમાં ઘટાડો થવાને બદલે વધારો થયો છે. ખેડૂતોને દેવામાફીની કોઈ વાત નથી, સરકારે ખેડૂતોનું દેવું માફ કરવું જોઈએ. અત્યારે લગભગ બે લાખ કરોડ રૂા.નું દેવું ખેડૂતોને માથે છે. તેના પર ચાર ટકા વ્યાજ લેવામાં આવે છે. ખેડૂતોના હકક અને અધિકાર માટે સતત ચળવળ કરતાં કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીની વાત કેન્દ્રીય નાણાંમંત્રીને બજેટમાં ધ્યાનમાં લેવાની ફરજ પડી છે. ખેડૂતોને સસ્તા ખાતર, સિંચાઈનું પાણી, સસ્તુ જંતુનાશક દવા અને બિયારણ દ્વારા ઉત્પાદન ખર્ચમાં ઘટાડો અને ખેડૂતોની આવકમાં વધારા માટે કોઈ નક્કર બાબત રજૂ થઈ નથી. કૃષિદરમાં ઘટાડો નોંધાયો છે. સબસીડીમાં કાપ મુકાઈ રહ્યો છે. દેવાના બોજ નીચે દેશનો ખેડૂત આર્થિક ભીંસને કારણે આત્મહત્યા જેવા પગલાં ભરી રહ્યો છે. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત ખેડૂતોને લાભ મળવાને બદલે ખાનગી વીમા કંપનીઓ કરોડો રૂપિયા કમાઈ રહી છે. માનવ વિકાસ સૂચકાંકની બાબતમાં ભારતનો ક્રમ ૧૩૦મો છે ત્યારે શિક્ષણ અને આરોગ્યને માટે ખર્ચ વધારવાની તાતી જરૂર છે. બેરોજગારોને કામ આપવા માટે નક્કર કામગીરી કરવી આવશ્યક છે. આ બજેટમાં રોજગારીનું સર્જન, નવી તકો અને અગાઉથી રોજગારી ટકી રહે તે માટે કોઈ રોડમેપ જોવા મળતો નથી. એમ ભરતસિંહ સોલંકી અને પરેશ ધાનાણીએ એક સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું. ત્યારબાદ કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ બજેટ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ઉત્પાદનના ઓછા ભાવથી પીડાતા ખેડૂતો, મોંઘવારીથી પીસાતા આમ આદમી, પગારદાર નાગરિકો, બેકાર યુવાનોને રાહત આપવામાં સંપૂર્ણ નિષ્ફળ ગઈ છે. ખેડૂતોના ઉત્પાદનના ટેકાના ભાવમાં દોઢ ગણો વધારો કરવાની બીજી વખત લોલીપોપ મગફળી સહિતના ઉત્પાદન વર્તમાન ટેકાના ભાવ રૂા.૯૦૦થી સરકાર ખરીદતી નથી અને હવે રૂા.૧૪૦૦ તથા કપાસ રૂા.૧પ૦૦ કરવાની વાત મોટી લોલીપોપ છે. ર૦રર સુધી ખેડૂતોની બમણી આવક કરવાની વાત કરતી સરકાર ખેડૂતોની આવક અડધી કરી રહી છે. છેલ્લા ચાર વર્ષથી શિક્ષણ અને આરોગ્યના ક્ષેત્રમાં ફાળવણીમાં નહીંવત વધારો, ગરીબો અને મધ્યમ વર્ગ માટે શિક્ષણ અને સારવાર મોંઘી થઈ છે, આ ક્ષેત્રમાં કોઈ વધારો નહીં. નાણાકીય ખાધ બજેટના ૩.પ % વધારે રહેવાથી મોંઘવારીમાં વધારો થશે. છેલ્લા ચાર વર્ષથી ઘરેલુ અને વિદેશી મૂડીરોકાણ અને રોજગારીમાં ભારે ઘટાડો થયો છે. બેરોજગારી ઘટાડવા અને મૂડીરોકાણ વધારવાના કોંક્રીટ પગલાંનો અભાવ છે. બાંધી આવકવાળા પગારદાર ઈન્કમટેક્ષ ભરતા નાગરિકો વર્ષોથી “ઈમાનદારીનો ઉત્સવ” ઉજવે છે, પરંતુ આ નાગરિકો માટે ઈન્કમટેક્ષના સ્લેબમાં કોઈ વધારો નહીં પરંતુ રપ૦ કરોડ સુધીના ટર્નઓવરવાળી કંપનીઓને રાહત આપવામાં આવી છે. એમ મોઢવાડિયાએ જણાવ્યું હતું.