(સંવાદદાતા દ્વારા) ભરૂચ,તા.ર૬
અંકલેશ્વરથી કેવડિયા સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટીમાર્ગ બની રહ્યો છે. છેલ્લા બે વર્ષથી આ રસ્તાની મંથર ગતિએ ચાલતી કામગીરીથી લોકોને મુશ્કેલી વેઠવી પડે છે. એટલું જ નહીં સાંસદ મનસુખ વસાવા દ્વારા દત્તક લેવાયેલા અવિધા ગામ પાસેથી ખાડી ઉપરનું નાળું તૂટી જતાં હાલમાં અંકલેશ્વર-રાજપીપળા વચ્ચેના વાહન વ્યવહારને વ્યાપક અસર વર્તાય છે.
સાંસદે દત્તક લીધેલા અવિધા ગામ પાસે છેલ્લા કેટલાય સમયથી રાજપીપળા તરફ જતા માર્ગનું કામ ચાલી રહ્યું છે. ત્યારે ખૂબ જ ધીમી ગતિએ ચાલતા કામને કારણે લોકો પરેશાની ભોગવી રહ્યા છે. પરંતુ આજે વરસેલા વરસાદે આ કામગીરીની પોલ ખોલી નાંખી હતી અને ખાડી ઉપરનું નાળું તૂટી ગયું હતું.
રાજપારડી તરફ જતા મુખ્ય માર્ગ ઉપરનું નાળું ધોવાઈ જતાં વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી હતી. જેના પગલે રસ્તાનું કામ કરી રહેલી એજન્સી સામે પણ લોકોએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. બીજી તરફ આ કામગીરીમાં સાંસદ દરમિયાનગીરી કરી સત્વરે કામગીરી પૂર્ણ કરાવે તેવી માગ ઉઠી છે.