કોંગ્રેસ પ્રમુખે તસવીર પોસ્ટ કરી સરકારને ચાબખા માર્યા
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનું  ટ્‌વીટ, ‘સરદાર વિરોધી અદાણી પ્રેમી ભાજપા’

ભાજપ શાસકો સત્તામાં આવ્યા બાદ અદાણીના શરણે દેશની સંપત્તિ લૂંટાવી રહ્યા છે

(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.૧૨
ભાજપ શાસિત કેન્દ્ર સરકાર દ્વારા અમદાવાદ સહિત દેશના કેટલાક એરપોર્ટના સંચાલનનું કામ અદાણી ગૃપને સોંપવામાં આવ્યું છે. એરપોર્ટનો હવાલો સોંપાયા બાદ હાલ સોશિયલ મીડિયામાં એક તસવીર વાઈરલ થઈ છે. જેમાં ગુજરાતીમાં ‘અમદાવાદમાં આપનું સ્વાગત છે’તેમજ અંગ્રેજીમાં વેલકમ ટુ અહમદાબાદ લખ્યું છે. તેમજ હોડિંગ્સમાં બંને તરફ અદાણી એરપોર્ટ એવું લખવામાં આવ્યું છે. આ તસવીર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાઈરલ થયા બાદ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ટ્‌વીટ કરીને વિરોધ વ્યક્ત કર્યો છે. ટ્‌વીટમાં લખ્યું છે કે, સરદાર વિરોધી અદાણી પ્રેમી ભાજપા. સરદાર પટેલના નામ પર તેમના રાજનીતિના સમયને ચમકાવવાવાળી ભાજપ સરકારે તેમના ઉદ્યોગપતિ મિત્રની સેવામાં અમદાવાદ શહેરના એરપોર્ટ પરથી દેશના લોહપુરૂષ સરદાર પટેલનું નામ ગાયબ કરીને અદાણી એરપોર્ટ કરી દીધું છે.
૭ નવેમ્બરે અદાણીએ સંચાલન સંભાળતાની સાથે જ એરપોર્ટ પરના તેના લોગો સાથે સાઈનબોર્ડ પણ ચેન્જ કર્યા હતા. આ પૈકી અમદાવાદમાં સ્વાગત છે હોર્ડિંગની કોઈએ તસવીર ખેંચી હતી અને સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ હતી. જે રાજકીય નેતાઓ સુધી પહોંચતા વિવાદ વકર્યો છે. જોકે એરપોર્ટ પરનું નામ બદલવામાં આવ્યું નથી. સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ જ નામ છે. મહત્ત્વની વાત છે કે, ૭ નવેમ્બરથી જ્યારથી અદાણી દ્વારા સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટનો કાર્યભાર સાંભળવામાં આવ્યો ત્યારથી કેટલાક નવા નિયમો બનાવવામાં આવ્યા છે. આ નિયમોના કારણે મીડિયાને પણ એરપોર્ટની અંદર પ્રવેશ કરવા માટે ટિકિટ લેવી પડે છે. આ સાથે જ મંજૂરી પણ લેવી પડે છે. જેથી આ મામલે અદાણી એરપોર્ટ તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોષીએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, દેશની એકતા અને અખંડિતતા માટે સરદાર સાહેબે બલિદાન આપ્યું અને દેશને એક કર્યો. એ જ સરદાર સાહેબનું નામ લઇને પોતાનો રાજકીય હેતુ વટાવી રહ્યા છે. આ ભાજપના શાસકોને સત્તામાં આવ્યા પછી અદાણીના શરણે આ દેશની સંપતિ લૂંટાવી રહ્યા છે. એરપોર્ટનું ખાનગીકરણ કરવું તે ભાજપ સરકારનો પહેલો એજન્ડા છે. આ જ ભાજપે આગાઉ એરપોર્ટને સરદાર પટેલનું નામ આપવા બાબતે પણ વિરોધ કર્યો હતો. ભાજપનો આ બે રંગી ચહેરો છે. સરદાર સાહેબ જેવા મહાપુરૂષનું અપમાન કરનાર ભાજપાએ તાત્કાલિક માફી માગીને સરદાર સાહેબના નામ વાળા એરપોર્ટની મિલકત અદાણીના શરણે સોંપી છે તેને પરત લઇને પ્રજાની મિલ્કત બનાવવી જોઈએ. જો કે, સૂત્રો જણાવે છે કે અદાણી જ્યાં પણ એરપોર્ટનું ઓપરેશન લે છે ત્યાં આ પ્રકારના બોર્ડ લગાવે છે. સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટનું નામ તો બદલાયું નથી પરંતુ અદાણીએ પોતાની બ્રાન્ડ પ્રમોટ કરવા માટે આ પ્રકારના બોર્ડ માર્યા છે.