(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૫
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકા ખાતે આવેલ સાઇનાઇડ કંપનીને બંધ કરવાની માંગણી સાથે સુરત જિલ્લા પંચાયતના સભ્ય અને ખેડૂત આગેવાન દર્શન નાયકની આગેવાની હેઠળ ગ્રામજનોએ પ્રતિક ધરણાં યોજી દેખાવો કર્યા હતા. આ પ્રતિક ધરણાં સાઈનાઈડ કંપનીના દરવાજા પાસે કરવામાં આવ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લા પંચાયતના સભ્ય દર્શનકુમાર નાયકના જણાવ્યા મુજબ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકા ખાતે આવેલ સાઈનાઈડ કંપની દ્વારા ભરૂચ જિલ્લાના વણખૂંટા ગામે ઝેરી ધન કચરાનો નિકાલ કરતા ગ્રામજનોએ ત્રણ ટ્રકો ઝડપી પાડી હતી. આ અંગે પોલીસ કેસ પણ કરવામાં આવ્યો હતો. પરંતુ નિયમાનુસાર આ સાઈનાઈડ કંપનીની સામે કડક કાર્યવાહી કરવામાં નહીં આવતા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તેમ છતાં કોઈપણ કાર્યવાહી કરવામાં આવી ન હતી. જેથી આ ઝેરી પ્રદૂષણ ફેલાવતી સાઈનાઈડ કંપનીની સામે ગ્રામજનો સાથે મળીને પ્રતિક ધરણાં યોજી દેખાવો કરવામાં આવ્યો હતો. વધુમાં દર્શન નાયકે જણાવ્યું હતું કે ઝેરી પ્રદૂષણ ફેલાવતી આ કંપનીને બંધ કરવાની માંગ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.