કુઆલાલામ્પુર,તા.૯
ભારતની મહિલા ટેનિસ સ્ટાર્સ સાઈના નેહવાલ તેમજ પી વી સિંધૂએ દમદાર પ્રદર્શન થકી મલેશિયા માસ્ટર્સની ક્વાર્ટરફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો છે. મહિલા સિંગલ્સના બીજા રાઉન્ડમાં બન્ને ભારતીય બેડમિન્ટન ખેલાડીઓએ પોતાની આગવી રમત દર્શાવી છે. છઠ્ઠો ક્રમ ધરાવતી સિંધૂએ જાપાનની આયા ઓહોરી સામે ૨૧-૧૦, ૨૧-૧૫થી સરળ વિજય મેળવ્યો હતો. સિંધૂ અને ઓહોરી વચ્ચે પ્રી-ક્વોર્ટરફાઈનલ મુકાબલો ૩૪ મિનિટ ચાલ્યો હતો.
૨૪ વર્ષીય સિંધૂ ડિફેન્ડિંગ વર્લ્ડ ચેમ્પિયન છે. આ ઉપલબ્ધિ મેળવનાર તે એકમાત્ર ભારતીય મહિલા ખેલાડી રહી છે. ઓહોરી સામેની જીત સિંધૂની સતત નવમી જીત રહી છે. ક્વાર્ટરફાઈનલમાં સિંધૂ ચાઈનીઝ તાઈપેઈની તાઈ ઝુ યિંગ સામે અથવા સાતમા ક્રમની સાઉથ કોરિયન ખેલાડી સુંગ જી હ્યુન બન્નેમાંથી એક સામે ટકરાશે.
બીજીતરફ સાઈના નેહવાલે ઈન્ડોનેશિયા માસ્ટર્સનો ગત વર્ષે ખિતાબ જીત્યા બાદ તે પણ મલેશિયા માસ્ટર્સ ૫૦૦ બેડમિન્ટન ટુર્નામેન્ટ જીતવા પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. સાઈનાએ પ્રી-ક્વાર્ટર મુકાબલામાં દક્ષિણ કોરિયાની આન સે યંગને ૨૫-૨૩, ૨૫-૧૨થી હરાવી હતી. સાઈનાએ હરિફ ખેલાડીને ૩૯ મિનિટમાં જ મ્હાત આપી હતી. સાઉથ કોરિયન ખેલાડી સામે સાઈનાનો આ પ્રથમ વિજય રહ્યો છે. બે વખત કોમનવેલ્થ ગેમ્સ ચેમ્પિયન સાઈના ક્વાર્ટર ફાઈનલમાં ઓલિમ્પિક ચેમ્પિયન સ્પેનની કેરોલિના મારિન સામે ટકરાશે. પુરૂષ સિંગલ્સમાં ભારતના સમીર વર્માનો મલેશિયાના લી ઝી જિયા સામે ૧૯-૨૧, ૨૦-૨૨થી પરાજય થયો હતો.પ્રણોયનો બીજા રાઉન્ડમાં જાપાનના કેન્ટો મોમોટા સામે ૧૪-૨૧ ૧૬-૨૧થી પરાજય થયો હતો.