(એજન્સી) મુંબઈ, તા.૧૩
બોમ્બે હાઈકોર્ટે સોહરાબુદ્દીન એન્કાઉન્ટરમાં નોંધ્યું હતું કે ટ્રાયલ દરમિયાન સાક્ષીઓ પોતાના નિવેદનોથી ફરી રહ્યા છે. જેના લીધે હાઈકોર્ટે સીબીઆઈને પ્રશ્ન કર્યો કે તમે કયા પ્રકારનું રક્ષણ સાથીઓને આપી રહ્યા છો જેથી એ ફરી રહ્યા છે. જજ રેવતીએ કહ્યું કે શું આ જ તમારી ગંભીરતા છે. હાઈકોર્ટની જજ રેવતી મોહિતે ડિસ્ચાર્જ કરાયેલ આરોપીઓ સામે દાખલ થયેલ અપીલની સુનાવણી કરી રહ્યા હતા. એમણે સીબીઆઈને કહ્યું કે સાક્ષીઓનું રક્ષણ કરવું તમારી ફરજ છે જેથી એ નિર્ભય થઈ જુબાની આપે. તમે ખરી રીતે ચાર્જશીટ દાખલ નથી કરી શકતા અને સાક્ષીઓને રક્ષણ પણ પૂરું પાડી શકતા નથી. હજુ સુધી ૩૦ સાક્ષીઓ ફરી ગયેલ જાહેર કરવામાં આવ્યા છે. તમે ફરી ગયેલ સાક્ષીઓ સામે કયા પગલાં લેવા ઈચ્છો છો ? શું તમે એમની સામે ખોટું બોલવા બદલ કામ ચલાવશો ? સીબીઆઈના વકીલે જણાવ્યું કે, આ મુદ્દે સરકાર સાથે વાતચીત કરીશ. જજ મોહિતે કહ્યું તમે કેસને આ રીતે નહીં ચલાવી શકો, સીબીઆઈ મૂકપ્રેક્ષકની જેમ રહી શકે નહીં. કેસ બાબત તમારી ગંભીરતા દેખાતી નથી. જે પ્રકારની રજૂઆતો કરવી જોઈએ. એ રીતે તમે નથી કરી રહ્યા. મારી સામે સમગ્ર ચિત્ર રજૂ કરો આમ કટકે કટકે નિવેદનો રજૂ ના કરો. એન.કે.અમીન તરફે હાજર રહેલ વકીલ મહેશ જેઠમલાણીની રજૂઆતો પછી જજે ટિપ્પણી કરી હતી.