(એજન્સી) તા.૩
યુવાન ઇતિહાસકાર અને કર્મશીલ ઉમર ખાલીદે દિલ્હી પોલીસ કમિશનરને પત્ર લખીને તપાસ અધિકારીઓ દ્વારા આ વર્ષે ફેબ્રુ.માં રાષ્ટ્રીય પાટનગરમાં ફાટી નીકળેલ કોમી હિંસામાં પોતાને ફસાવવા માટે પોતાના પરિચીતો પર દબાણ લાવવાના પ્રયાસો સામે વિરોધ વ્યક્ત કર્યો છે. ૨૩, ફેબ્રુ.ના રોજ ઉત્તર-પૂર્વ દિલ્હીમાં જાફરાબાદ ખાતે નાગરિકતા સુધારા કાયદા વિરુદ્ધ મુસ્લિમ મહિલાઓ દ્વારા ધરણા વિરોધના સ્થળે ભાજપના નેતા કપિલ મિશ્રા દ્વારા કરવામાં આવેલ ઉશ્કેરણીજનક ભાષણના પગલે રમખાણો ફાટી નીકળ્યાં હતાં જેમાં ૫૩ લોકોએ જીવ ગુમાવ્યાં હતાં. આ મૃતકોમાં ૩/૪ જેટલા મુસ્લિમો હતાં. પોલીસે એવી થિયરી ચલાવી છે કે આ રમખાણો પાછળ સીએએ વિરોધી ચળવળના ખાલીદ સહિતના નેતાઓની સાઝીશ હતી. પરંતુ ખાલીદને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઇ પણ હિંસક કૃત્ય સાથે સાંકળતાં પુરાવાના અભાવે પોલીસ હજુ તેને કસ્ટડીમાં લઇ શકી નથી. ૧, સપ્ટે. પોલીસ કમિશનર એસ શ્રીવાસ્તવને લખેલા પત્રમાં ઉમર ખાલીદે સાક્ષીઓના ઉત્પીડન અને દબાણના ઉદાહરણો ટાંકીને પોલીસ પર એવો આક્ષેપ કર્યો છે કે તે તેમને રમખાણના કેસમાં ફસાવવા માગે છે. ખાલીદે ૨૯, ઓગસ્ટના રોજ દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ દ્વારા એક પરિચિતની પૂછપરછ દરમિયાન શું શું રંધાયું હતું તેની વિગતો ટાંકી છે. આ પરિચિતનું નામ ધ વાયર દ્વારા જાહેર કરવામાં આવ્યું નથી પરંતુ તેમના જણાવ્યા પ્રમાણે પોલીસના તપાસ અધિકારીઓએ મોકાના સમયે દિલ્હીમાં ચક્કાજામ કરવાનો પ્રસ્તાવ કરતાં ખાલીદના નામનું એક નિવેદન તૈયાર કર્યુ ંહતું અને તેમાં આ યુવાનને સહી કરવા જણાવવામાં આવ્યું હતું.
જ્યારે આ પરિચિતે એવું જણાવ્યું કે તેને આ બાબત અંગે કોઇ જાણકારી નથી ત્યારે તેને પણ હિંસામાં ફસાવવાની અને ભારતના સૌથી જલદ આતંક વિરોધી કાયદા યુએપીએ હેઠળ ધરપકડ કરવાની ધમકી આપી હતી. આખરે આ યુવાન અનિચ્છાએ પોલીસ નિવેદન પર સહી કરવા સંમત થયો હતો. આ તબક્કે એક વરિષ્ઠ અધિકારીએ એવી લાઇન ઉમેરી હતી કે ખાલીદે નાણા ભંડોળ ઊભું કરવાની ખાતરી આપી હતી અને પરિચિતને વીડિયો કેમેરા સમક્ષ સ્વાભાવિક રીતે આ સંપૂર્ણ નિવેદન વાચવા જણાવ્યું હતું. પરિચિતે આ નિવેદન યાદ કરીને પોલીસે તેને શું શું બોલવાની ફરજ પાડી હતી તેની વાત ખાલીદને કરી હતી.