અમદાવાદ, તા.૬
સોરઠના અતિ ચકચારી એવા આરટીઆઈ એક્ટિવિસ્ટ અમિત જેઠવાની હત્યા કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા ભાજપના પૂર્વ સાંસદ દીનુ બોધા સોલંકી અને તેના ભત્રીજા શિવા સોલંકી સહિત ૭ સામે સાક્ષીઓને જુબાની પરથી ફરી જવા ધમકી આપ્યાનું સીબીઆઈ તપાસમાં સાબિત થતાં વધુ એક ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે. વિગતો જોઈએ તો તા.૧૨ જુલાઇના સીબીઆઇ કોર્ટે જ્યારે દીનું બોઘા સહિતના ઓને દોષિત જાહેર કરી સજા ફટકારી ત્યારે આ કેસમાં સાક્ષી ઓને ધાક ધમકીનો મુદ્દો ગંભીરતાથી ધ્યાને લીધો હતો. અને સજાની સુનાવણી સાથે સાથે સાક્ષી ઓને ધાક ધમકી મુદ્દે ખાસ તપાસનો આદેશ કર્યો હતો. આ ચકચારી કેસમાં ૧૯૨ માંથી ૧૫૫ સાક્ષી ફરી ગયા હતા. મોટી સંખ્યામાં સાક્ષીઓ ફરી જતાં અમિત જેઠવાના પિતા ભીખાભાઇ જેઠવાએ હાઇકોર્ટમાં અરજી કરી હતી. રિકોલ કરાયેલા દિનુ બોઘાના ફાર્મ હાઉસના નોકર રામા આઝા સહિત ૨૭ સાક્ષીઓની સીબીઆઇ કોર્ટમાં ફરીથી જુબાની લેવાઇ હતી. જેમાં ફરીયાદી ધર્મેન્દ્રગીરી બાલુગીરી ગોસ્વામીના ધર પાસેથી જેના પુત્ર પ્રેમગીરીનુ આરોપીએ અપહરણ કરેલ હોય જેના કારણે અમીત જેઠવા હત્યા કેસમાં સાક્ષી તરીકે રહેલા ધર્મેન્દ્રગીરી બાલુગીરી ગોસ્વામી ફરી ગયેલ હોય તે બાબતે કોર્ટ દ્વારા આદેશ કરાતા આ અંગેની તપાસ કરનાર અમલદાર મુકેશ શર્મા અને સતિષકુમાર મણીલાલે સંયુક્તપણે તપાસ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી પૂર્વ સાંસદ દીનુ બોધા તેમજ તેનો ભત્રીજા પ્રતાપ ઉર્ફે શીવા સોલંકી તેમજ ઉસ્માન મહમદ અને અન્ય બે થી ત્રણ અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ઉના પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરીયાદ નોંધાયેલ છે. અતિ ખાનગી રાહે ચાલેલી આ તપાસમાં ધર્મેન્દ્રગીરીના પુત્રના અપહરણ અને જુબાની પરથી ફરી જવા ધાક ધમકીની વાત સાબિત થતાં સીબીઆઈ દ્વારા ઉના પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવવામાં આવી છે. મહત્વ પૂર્ણ બાબત તો એ છેકે જેને કોર્ટે ગુન્હેગાર જાહેર કર્યા છે તેવા ગુનેગારો સામે જ્યારે વધુ એક એફ.આઈ.આર નોંધાઈ છે. પરંતુ ઉના પોલીસ દ્વારા આ ફરિયાદની વિગતોને જાહેર ના થાય તે માટે વેબસાઈટ પર સક્ષમ સત્તાઅધિકારી દ્વારા પ્રસ્તુત કેસને સંવેદનશીલ ગણવામાં આવેલ હોવાથી આ ગુન્હાની એફ. આઈ.આર ને જાહેર કરવામાં આવી નથી. પરંતુ ઊના પોલીસે દાખલ કરેલી ફરીયાદમાં ઉપરોક્ત આરોપીઓ સામે ગુનો નોધાયેલ હોવાનુ તપાસનીસ અધિકારીએ જણાવેલ છે. એવી માહિતી સૂત્રો પાસેથી સાંપડી છે.