રાજપીપળા, તા.૧ર
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ, લોકસભા કે વિધાનસભાની ચૂંટણી પહેલા સરકાર મતદાર યાદી સુધારણાનો કાર્યક્રમ રાખતી હોય છે. આ કાર્યક્રમમાં મતદાર યાદી સુધારવાનું કામ સરકાર ભણેલા ગણેલા શિક્ષકો પાસે કરાવતી હોય છે. ત્યારે ભણેલા ગણેલાએ પણ ગોથું ખાધું હોય એવી ઘટના નર્મદા જિલ્લાના સાગબારામાં પ્રકાશમાં આવી છે. જેમાં નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાની નવીફળી (અમિયારા) ગામના એક વૃદ્ધા છેલ્લા બે વર્ષથી પોતે જીવિત હોવા છતાં મૃત બતાવી એમને મતાધિકારથી વંચિત રાખવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે. મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાની નવીફળી (અમિયારા) ગામની વાહરીબેન લાલજીભાઈ વસાવાને પોતે જીવિત હોવા છતાં તેમને મૃત બતાવી છેલ્લા બે વર્ષથી મતદાનથી વંચિત રખાય રહ્યા છે. તો આ બાબતે એમણે વર્ષ ૨૦૧૬ની સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને આ વખતે ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણી દરમિયાન પણ સંબંધિત અધિકારીને લેખિતમાં પુરાવા સાથે રજૂઆત કરી હતી છતાં તંત્ર માનવા તૈયાર નથી. અત્રે એ ઉલ્લેખનીય છે કે મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં દરેક બૂથ દીઠ એક બીએલઓની નિમણૂક કરાય છે. છતાં પણ મતદાર યાદીમાં છબરડા થતા હોય એ મોટી બેદરકારી કહેવાય સાથે સાથે બીએલઓ ખરેખર આ બીએલઓ કામગીરી કરે છે કે પછી કાગળ પર જ કામગીરી થાય છે એ પણ મોટો પ્રશ્ન છે. વધુમાં વાહરીબેન વસાવા પોતે વર્ષ ૨૦૧૬ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન કરવા બુથ પર ગયા ત્યારે તેમને ખબર પડી કે તેઓ જીવિત નથી. આ સંદર્ભે તેમણે બીએલઓનો પણ સંપર્ક સાધ્યો હતો ત્યારે પંચકયાશના આધારે તેમનું નામ મતદાર યાદીમાંથી કમી કરાયું હોવાનું જાણવા મળ્યું હતું. બાદ તેમણે સાગબારા મામલતદારને પણ આ બાબતે લેખિતમાં ફરિયાદ કરી હતી ત્યારે નવી મતદાર યાદીમાં નામ ઉમેરાશે એવો જવાબ મળ્યો હતો. તો સરકારી તંત્રના ભરોસે તેઓ ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં શનિવારે મત આપવા ગયા ત્યારે પણ તેઓ મૃત્યુ પામ્યા હોવાથી તેમનું નામ મતદાર યાદીમાં કમી કર્યું હોવાનું જણાવાયું હતું. તો બીજી બાજુ ૨૦૧૬માં જે બીએલઓ હતા એ જ બીએલઓ આ વખતે પણ હતા તો પછી કેમ વાહરીબેનનું નામ મતદાર યાદીમાં ન ઉમેરાયું એ મોટો પ્રશ્ન છે. ત્યારે દર વખતે મતદારયાદી સુધારણા કાર્યક્રમ હેઠળ ભણેલા ગણેલા બીએલઓ ખરેખર કામગીરી કરે છે કે કેમ એ બાબતે તપાસ થવી જોઈએ એવી લોકમાંગ ઉઠી છે.