(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.૨૬
સોશીયો સર્કલ નજીક સાડી કટીંગના કારખાનાના ગ્રાઉન્ડ ફ્લોર પર વહેલી સવારે અચાનક આગ ફાટી નીકળી હતી. ગ્રાઉન્ડ ફ્‌લોર પર લાગેલી આગ પ્લાસ્ટિકના જથ્થામાં પ્રસરત મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગના પગલે કારીગરોમાં ભાગદોડ મચી ગઈ હતી. જેથી આગના ડરના પગલે ત્રણ માળના કારખાનાના પહેલા માળેથી ત્રણ જેટલા કારીગર કૂદી ગયા હતા અને પગમાં ઈજા થઈ હતી. ઘટનાની જાણ થતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને ભારે જહેમતે આગ પર કાબૂ મેળવ્યો હતો.
ફાયર વિભાગ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના સોસિયો સર્કલ નજીક આવેલા લાલવાડી કમ્પાઉન્ડમાં સાડી કટીંગના ત્રણ માળના કારખાનાના ગ્રાઉન્ડ ફ્‌લોર પર વહેલી સવારે આગ ફાટી નીકળતા ભાગદોડ મચી ગઈ હતી. આગ લાગી ત્યારે કારખાનામાં ૯ જેટલા કારીગરો કામ કરી રહ્યા હતા. જોત જોતામાં પ્લાસ્ટિકના જથ્થામાં લાગેલી આગે રોદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. પહેલાં માળે કામ કરી રહેલા ૩ જેટલા કારીગરો રાકેશ તુકારામ નાયક (ઉ.વ.૨૫), બાબુલાલ નેમારામ નાઈ, આખારામ ખેતારામ રાણા (ઉ.વ.૨૩) ડરના માર્યે કૂદી ગયા હતા. જેથી ત્રણેયને પગમાં ફ્રેક્ચર થયા હતા. સાડી કટીંગના કારખાનામાં આગની જાણ થતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને પાણીનો મારો ચલાવી પહેલા આગને પ્રસરતા અટકાવી હતી. ત્યારબાદ ભારે જહેમતે આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે, આગ કાબૂમાં આવે તે પહેલા ૫-૬ મશીનો અને અન્ય સામાન બળીને ખાખ થઈ ગયો હતો.આગના કારણે ડરના માર્યે કૂદી જનાર ત્રણેય કારીગરને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, રાત્રી મેડિકલ ઓફિસર હાજર ન હોવાની કારણે ૩૦ મિનિટ જેટલો સમય ત્રણેય ઈજાગ્રસ્ત રઝળ્યા હતા. ત્યારબાદ રીલિવર મેડિકલ ઓફિસર ફરજ પર આવતા દર્દીઓને તપાસી રીફર કર્યા હતા. આ ઘટનાના પગલે વિવાદ સર્જાયો હતો.જેથી આરએમઓએ જવાબદારો સામે પગલા ભરવાની ચીમકી ઉચ્ચારી હતી.