(એજન્સી) તા.૧ર
પાકિસ્તાનની એક મહિલા સંસદસભ્ય દ્વારા સાડી પહેરવાનો નિર્ણય કરવામાં આવ્યો ત્યારે તેમણે આમ વિચાર્યું પણ નહીં હોય કે તેમના પોશાક માટે એમની ટીકા કરવામાં આવશે. પાકિસ્તાનની મુતાહિદા કૌમી મુવમેન્ટના સભ્ય નસરીન જલિલે જ્યારે સાડી પહેરી ત્યારે તેઓ જમિયત ઉલેમા-એ-ઈસ્લામના એક સંસદસભ્ય દ્વારા જાતિય ટિપ્પણીનો ભોગ બન્યા. સંસદસભ્ય મુફતી અબ્દુલ સત્તારે જલિલને કહ્યું કે તેમનો પોશાક એક મુસ્લિમ મહિલાને છાજે તેવું નથી. ઉલ્લેખનીય છે કે, જલિલ માનવઅધિકારો માટેની સંસદની કાર્યકારી સમિતિની બેઠકનું નેતૃત્વ કરવા સાડી પહેરીને ઉપસ્થિત રહ્યા હતા. પાકિસ્તાનના એક અગ્રણી સમાચાર પત્રના અહેવાલ મુજબ સત્તારે જલિલને કહ્યું કે તે એક સક્ષમ અને બુદ્ધિજીવી મહિલા છે અને તેમના જેવી સ્ત્રીએ મુસ્લિમ દેખાવવું જોઈએ. સત્તારે કહ્યું હતું કે, ઈશ્વરે તમને આ દરજ્જા સુધી પહોંચાડયા છે. તમારે અન્ય સ્ત્રીઓ માટે દ્રષ્ટાંતરૂપ બનવું જોઈએ. આ મીટિંગનો જ્યારે ટીવી પર પ્રસારણ કરવામાં આવશે તો લોકોને શું સંદેશ જશે ? સત્તારની આ ટિપ્પણીને કારણે પત્રકારો, ફિલ્મ નિર્માતાઓ અને રાજકારણીઓમાં આક્રોશ ભભૂકી ઉઠયો હતો. કેટલાક લોકોએ તો પાકિસ્તાનના સ્થાપક મોહમ્મદ અલી ઝીણાની નાની બહેન ફાતિમા ઝીણાના સાડી પહેરેલા ફોટા સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યા હતા. સંસદસભ્ય અમન જાફરીએ પોતાના ટ્‌વીટ વડે જલિલનો બચાવ કરતાં કહ્યું હતું કે નસરીન જલિલ તેમની સભ્યતા, બુદ્ધિમતા, હિંમત અને સૈદ્ધાંતિક રાજકારણ માટે માર સહિત ઘણા લોકો માટે આદર્શ છે. પત્રકાર મુર્તઝ સોલંગીએ પણ ૭પ વર્ષીય મહિલા નસરીન જલિલ પર ટિપ્પણી કરવા માટે મુફતી અબ્દુલ સત્તારની ઝાટકણી કરી હતી. તેમણે લખ્યું હતું. આજે સાડી પહેરવા બદલ મુફતીએ ૭પ વર્ષીય સંસદસભ્યને કહ્યું કે તેણીએ શું ન પહેરવું જોઈએ. મુફતી તે મહિલાના શરીર વિશે ઘણો રસ ધરાવતા હશે જે તેમની આંખો સામે ખુલ્લો હતો. શા માટે તેમણે આંખો નીચી ન કરી લીધી ?