અમદાવાદ,તા.રપ
અમદાવાદના સાણંદ જીઆઈડીસી ખાતે આવેલી જાપાનની યુનિચાર્મ કંપનીમાં લાગેલી આગ ર૪ કલાક કરતા પણ વધુ સમય બાદ ભારે જહેમતથી કાબુમાં આવી છે. બુધવારે સવારે લાગેલી આગ ગુરૂવાર બપોરના સમયે કાબુમાં આવી હતી. શોર્ટ સર્કિટને કારણે લાગેલી આગ ભીષણ આગમાં ફેરવાઈ ગઈ હતી. આગના ધુમાડા ર કિ.મી. દૂર સુધી દેખાતા હતા. આગ લાગતા અમદાવાદ આસપાસથી ર૦ ફાયર ફાઈટર મોકલાયા હતા. આ અંગે અમદાવાદ જિલ્લા કલેકટરે જણાવ્યું કે કેન્દ્રીય ગૃહમંત્રીની સીધી સૂચનાને પગલે એનડીઆરએફની ટુકડીઓ પણ મોકલવામાં આવી હતી. જયારે ૩૬થી વધુ ફાયર ફાઈટર અને ર૭૦થી વધુ ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળ પર રાહત કામગીરીમાં જોડાયા હતા. ડાયપરનું ઉત્પાદન કરતી આ કંપની ૮૦ એકરમાં ફેલાયેલી છે જયાં ૩પ એકરમાં ઉત્પાદનની કામગીરી થાય છે. બુધવારે બપોર બાદ પણ આગ કાબુમાં ન આવતા કેન્દ્રીય ગૃહમંત્રીએ આ મામલે હસ્તક્ષેપ કરી આગ કાબુમાં લેવા તમામ પગલાંની તાકીદ કરાઈ હતી. આગ કાબુમાં આવી છે ત્યારે યુનિચાર્મ ફેકટરી સંપૂર્ણપણે ખાક થઈ ગઈ છે જયારે આજુબાજુની ફેકટરીઓ સુધી આગ ફેલાઈ હતી. યુનિચાર્મ કંપનીમાં આગ લાગ્યા બાદ તેમાં ફાયર સેફટી પુર્ણ રીતે કામ કરતી હતી કે કેમ તે મુદ્દે અનેક પ્રશ્નો ઉભા થયા છે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કંપનીમાં ફાયર સેફટીના સાધનો કાર્યરત હતા તો ઉપયોગમાં કેમ ન આવ્યા અને આ કંપનીમાં ફાયર એનઓસી મળી હતી અને તે પણ છેલ્લે કયારે થઈ હતી તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ જવાબ મળ્યો નથી કે કંઈ જાણી શકાયું નથી. આગ અંગે યુનિચાર્મ કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે હાલમાં આગ લાગવાના કારણો તપાસી રહ્યા છીએ સાથે જ આ આગને કારણે કેટલુ નુકસાન થયું છે તે અંગે પણ કંપની તપાસ કરી રહી છે. આ ઘટનામાં કંપનીના કોઈ કર્મીની જાનહાનિ નથી થઈ. જયારે આગ લાગી ત્યારે કંપનીમાં ૩૦૦ જેટલા કર્મચારીઓ હાજર હતા. આ એક મલ્ટી નેશનલ જાપાનીઝ કંપની છે જે ડાયપર બનાવાનું કામ કરે છે. મળતી માહિતી મુજબ આ કંપની જીવન જરૂરી વસ્તુઓનું ઉત્પાદન કરતી હોવાથી લોકડાઉન વખતે કંપનીને મંજૂરી સાથે ચાલુ રાખવા દેવામાં આવી હતી.