અમદાવાદ, તા.ર૪
સાણંદ જીઆઈડીસી ખાતે આવેલી જાપાનની યુનિચાર્મ કંપનીમાં આજે વહેલી સવારથી લાગેલી આગ મોડીસાંજ સુધી પણ કાબૂમાં ન આવતા અફરાતફરી મચી ગઈ હતી. સેનિટરી નેપકીન અને ડાયપર બનાવતી આ કંપનીમાં લાગેલી આગ બૂઝાવવા અમદાવાદ સહિત આસપાસના તાલુકાઓના મળી ૩૬થી વધુ ફાયરની ગાડીઓ પહોંચી ગઈ છે. ૧૩૦ જવાનો આ આગ બૂઝાવવા કામે લાગ્યા છે તેમ છતાં મોડીસાંજ સુધી આગ પર સંપૂર્ણ કાબૂ મેળવાયો ન હતો. સદ્‌નસીબે કોઈ જાનહાનિના સમચાર નથી. યુનિચાર્મ ઇન્ડિયાએ જાપાનની યુનિચાર્મ કોર્પોરેશનનો ભારતીય હાથ છે. આજે વહેલી સવારે આ કંપનીમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. આગને બૂઝાવવા માટે અમદાવાદ, સાણંદ, વિરમગામ, ધોળકાથી ફાયરની ગાડીઓ મંગાવવામાં આવી છે. જો કે, આ લખાય છે ત્યારે મોડીસાંજ સુધી ફાયરબ્રિગેડના જવાનો આગ પર કાબૂ મેળવવા ભારે જહેમત ઊઠાવી રહ્યા છે. ભારતે જાપાની કંપની સાથે એમઓયુ કર્યાં હતા તે અંતર્ગત કંપનીએ અહીં પ્લાન્ટ સ્થાપ્યો હતો. આ કંપની અનેક કંપનીને માલ પૂરો પાડતી હોવાનું માલુમ પડ્યું છે. આગ બૂઝાવવાની કામગીરી ચાલુ હતી ત્યારે બપોરની આસપાસ પવને પણ થોડી ઝડપ પકડી લેતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પવન ફૂંકાતા આખી કંપનીમાં ધૂમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. કંપનીમાં આગ એટલી વિકરાળ હતી કે સાણંદથી ૧૦ કિલોમીટર દૂરના અંતરે આવેલા ઘુમા અને બોપલથી પણ આકાશમાં ધૂમાડાના ગોટેગોટા જોઈ શકાતા હતા. આ મામલે જીઆઈડીસી પ્રમુખ ગણપતભાઈ સેંધવાએ જણાવ્યું હતું કે, ‘અહીં ફાયર સ્ટેશન બનાવવાની ચારેક વર્ષથી માંગ કરવામાં આવી છે પરંતુ પૂર્ણ નથી થઈ. આ કંપનીમાં આગ લાગી ત્યારે શિફ્ટ ચાલુ થવાની હતી, જેનાથી જાનહાનિ નથી થઈ. આ એક મલ્ટીનેશનલ જાપાનની કંપની છે જે ડાયપર બનાવવાનું કામ કરે છે. મળતી માહિતી અનુસાર આ કંપની જીવનજરૂરી વસ્તુઓનું ઉત્પાદન કરતી હોવાથી લોકડાઉન વખતે કંપનીને મંજૂરી સાથે ચાલુ રાખવા દેવામાં આવી હતી. આગ બૂઝાવવા માટે આશરે ફાયરના ૧૩૦ જેટલા કર્મીઓ કામે લાગ્યા છે. આ ઉપરાંત વ્યવસ્થા જાળવવા માટે પોલીસના અધિકારીઓ પણ ત્યાં દોડી ગયા છે. જે યુનિચાર્મ કંપનીમાં આગ લાગી છે તે ખૂબ મોટા વિસ્તારમાં પથરાયેલી છે. આગને કારણે કંપનીની આખી મશીનરી બળીને ખાખ થઈ ગઈ છે. કંપનીનો પ્લાન્ટ જે જગ્યા પર આવેલો છે તે જગ્યા ખૂબ વિશાળ છે. જો કે, સદ્‌નસીબે આસપાસ અન્ય કોઈ કંપની આવેલી ન હોવાથી અન્ય યુનિટોમાં આગ પ્રસરે તેવી કોઈ શક્યતા નથી. આગ લાગ્યા બાદ ફાયર બ્રિગેડ ઉપરાંત આસપાસના પાણીના પ્લાન્ટમાંથી પણ પાણીના ટેન્કરોની વ્યવસ્થા કરવામાં આવી હતી.