વડોદરા, તા.૩
વડોદરા શહેરની આસપાસના સાત ગામનો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં સમાવેશ કરવામાં આવ્યો છે તેનો વિરોધ કરતા કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે કે, ગ્રામ્ય વિસ્તારનું શહેરીકરણ કરવાને બદલે સ્માર્ટ સિટીની જેમ સ્માર્ટ વિલેજ બનાવવાની જરૂર છે. કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર આઈ.ડી. પટેલે લખેલા પત્રમાં જણાવ્યું છે કે, ૧૯૯પમાં ભારતીય જનતા પાર્ટીની સત્તા ગુજરાત રાજ્યમાં આવી ત્યારે પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ દ્વારા ગોકુળિયું ગામ બનાવવાની યોજના અમલમાં મૂકવામાં આવી હતી. પરંતુ રપ વર્ષનો સમય થઈ ગયો છતાં આ યોજના અભરાઈ પર ચડાવી દેવામાં આવી હતી. કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર આઈ.ડી. પટેલે પત્રમાં વધુમાં જણાવ્યું છે કે, ગુજરાત સરકારે છ મહાનગરપાલિકાની ટર્મ પૂરી થાય છે તેને ધ્યાનમાં લઈ નવું સિમાંકન કરવા શહેરની આજુબાજુ આવેલા ગ્રામ્ય વિસ્તારોનો કોર્પોરેશનની હદમાં સમાવેશ કરીને શહેરીકરણ કરવમાં આવી રહ્યું છે તે વ્યાજબી નથી અગાઉ પાંચ વર્ષ પહેલાં આજે ગ્રામ્ય વિસ્તારોનો સમાવેશ કર્યો હતો તેને કોર્પોરેશન સંપૂર્ણ સુવિધા આપી શકી નથી.